કોઈ ભૂલ ન કરતા : રશિયા આ યુદ્ધમાં નિષ્ફળ જશે યુક્રેન મુક્ત અને સ્વતંત્ર દેશ રહેશે : જો બાયડેન
- 'નાટો'ની ઐતિહાસિક સમિટ સમયે બાયડેને કહ્યું : 'અમે અને જર્મની, નેધરલેન્ડઝ અને રોમાનિયા યુક્રેનને એર ડીફેન્સ સીસ્ટીમ આપવાનાં જ છીએ'
વોશિંગ્ટન : નાટો જૂથની ૭૫મી ઐતિહાસિક પરિષદ સમયે પ્રમુખ જો બાયડેને મંગળવારે કહ્યું હતું કે કોઈ ભૂલ ન કરતાં, રશિયા આ યુદ્ધમાં નિષ્ફળ જ જવાનું છે. અમે યુક્રેનને છેલ્લામાં છેલ્લી 'એર ડીફેન્સ સીસ્ટીમ' આપવાના છીએ.
આ ઐતિહાસિક શિખર મંત્રણામાં નાટો દેશોના પ્રતિનિધિઓએ આવકારતાં તેઓએ વધુમાં કહ્યું, 'અમેરિકા ઉપરાંત જર્મની, નેધરલેન્ડઝ, રોમાનિયા અને ઈટાલી પણ યુક્રેનને આધુનિક એર ડીફેન્સ સીસ્ટીમ આપવાનાં છે.' અમે ક્રીટિકલ ઈન્ટરસેપ્ટર્સ પણ તેને આપીશું. અન્ય કોઈ તે આપે તે પહેલાં અમે આપવાનાં છીએ.
કોઈ ભૂલ ન કરતા પુતિન આ યુદ્ધમાં નિષ્ફળ જ જવાના છે. બે વર્ષથી પુતિને પોતે જ શરૂ કરેલું આ યુદ્ધ અવિરત રહ્યું છે. રશિયાના ૩,૫૦,૦૦૦થી વધુ સૈનિકો માર્યા ગયા છે કે ઘાયલ થયા છે. આશરે ૧૦ લાખ જેટલા રશિયાના યુવાનો દેશ છોડી જતા રહ્યા છે. તેઓ એટલા માટે દેશ છોડી જતા રહ્યાં છે કારણ કે તેઓને રશિયામાં તેમનું કોઈ ભવિષ્ય દેખાતું નથી.
કીવ, મિત્રો યાદ કરો કે તે પાંચ દિવસમાં જ પડી જશે તેમ તેઓ (પુતિન) માનતા હતા. તે યાદ છે ને ? આમ છતાં તે હજી ઉભું છે. અઢી વર્ષથી ઊભું છે, અને ઊભું રહેશે પણ ખરૃં. આપણા બધા જ સાથીઓ જાણે છે કે યુદ્ધ પહેલાં પુતિન માનતા હતા કે, 'નાટો' ભાંગી પડશે. પરંતુ આજે નાટો કદી ન હતું તેટલું પ્રબળ બની ગયું છે. આ અર્થહીન યુદ્ધ શરૂ થયું તે પૂર્વે યુક્રેન એક સ્વતંત્ર દેશ હતો, અત્યારે પણ છે, પરંતુ રશિયાના પ્રમુખ (પુતિન) તેને 'ગુલામ' બનાવવા માંગે છે, તેની લોકશાહી, તેની સંસ્કૃતિ તે સર્વે નકશા ઉપરથી ભૂંસી નાખવા માગે છે. આપણે જાણીએ જ છીએ કે પુતિન માત્ર યુક્રેનથી જ અટકશે નહીં, પરંતુ તેવી ભૂલ ન કરતાં કે પુતિન સફળ થશે. યુક્રેન પુતિનને થંભાવીને જ રહેશે.
યુદ્ધમાં જોખમ રહેલું જ છે પરંતુ જો રશિયા યુક્રેનમાં વિજયી થશે તો તે સૌથી વધુ જોખમ હશે. આપણે તે થવા દેવું ન જોઈએ, કારણ કે તેથી માત્ર પુતિન જ નહીં પરંતુ ચીન અને ઉ.કોરિયાના સરમુખત્યારો પણ ફૂલાઈ જશે. બળવત્તર બનશે.
બાયડેને તેટલું તો જરૂર કબૂલ્યું હતું કે, નાટોને તાજેતરમાં સફળતા મળી જ નથી. પરંતુ તેનું કારણ મુશ્કેલ સમયમાં સમજપૂર્વક લીધેલા કેટલાક નિર્ણયો છે.
આજે સમય આવ્યો છે સ્વતંત્રતા, મુક્તિ અને લોકશાહી માટે ઉભા રહેવાનો, તે માટે તો યુક્રેનને સહાય કરવામાં આવે છે. લોકશાહી અને સ્વતંત્રતા તથા મુક્તિ માટેનું સ્થાન યુક્રેન છે.
નાટોના મહામંત્રી સ્ટોલેનબર્ગે સમાપનમાં કહ્યું હતું કે, 'નાટો' ગઠબંધન ભવિષ્યમાં પણ કઠોર પ્રશ્નો સામે ઉભું જ રહેશે.
આજની બેઠકના અંતે પ્રમુખ બાયડેને સ્ટોલેન બર્ગને 'મેડલ ઓફ ફ્રીડમ' એનાયત કર્યો હતો.