યુક્રેન અચાનક દસ હજાર સૈનિકો સાથે ત્રાટકતા રશિયા ઊંઘતું ઝડપાયું

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
યુક્રેન અચાનક દસ હજાર સૈનિકો  સાથે ત્રાટકતા રશિયા ઊંઘતું ઝડપાયું 1 - image


- રશિયાનો 1,000 કિ.મી. પ્રદેશ કબ્જે કર્યાનો દાવો

- રશિયાએ કુર્સ્ક વિસ્તારમાંથી જ યુક્રેન પર બે હજાર  કરતાં વધારે હુમલાઓ કર્યા હતા : યુક્રેનના હુમલાના લીધે પુતિન બેકફૂટ પર : સમગ્ર વિશ્વના યુદ્ધ નિષ્ણાતો યુક્રેનના હુમલાથી સ્તબ્ધ થયા

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી ચાલતા યુદ્ધમાં યુક્રેન પહેલી વખત સરસાઈ મેળવવાની સ્થિતિમાં આવ્યું છે. રશિયાના કુર્સ્ક વિસ્તારમાં જ યુક્રેનનું લશ્કર અચાનક ત્રાટક્યું છે. તેનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં એક હજાર કિ.મી.થી વધુ જમીન પર કબ્જો જમાવ્યો છે. યુક્રેનના આ અણધાર્યા હુમલાએ રશિયાની નબળાઈ પણ વિશ્વ સમક્ષ ખુલ્લી પાડી છે. 

યુક્રેનના આ હુમલાના લીધે હજારો રશિયનોએ પલાયન કરવું પડયું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વખત રશિયાને આ ઝાટકો લાગ્યો છે. પહેલી વખત કોઈ દેશનું લશ્કર રશિયાની સરહદની અંદર આટલે ઉંડે સુધી દાખલ થયું છે.

ફક્ત રશિયા જ નહીં સમગ્ર વિશ્વના યુદ્ધનિષ્ણાતો અઢી વર્ષ સુધી રશિયાનો માર સહન કર્યા પછી પણ યુક્રેનના આ વળતા પ્રહારની ક્ષમતાતી સ્તબ્ધ બની ગયા છે. 

યુક્રેને અદભુત રણનીતિક સૂઝબૂઝનું પ્રદર્શન કરતાં રશિયાની સરહદ પર લશ્કરની હાજરી ક્યાં એકદમ પાંખી છે અને તે ક્યાં સુધી ઉંડે જઈ પ્રહાર કરે છે તે શોધી કાઢ્યુ. જ્યારે રશિયા એવા ગુમાનમાં જ રાચતું રહ્યું કે સરહદ તો યુક્રેન માટે લક્ષ્મણરેખા છે અને પરમાણુ યુદ્ધના ડરે યુક્રેન આ સરહદ ઓળંગશે નહી. 

પણ યુક્રેને રશિયાનો બધો જ અંદાજ ખોટો પાડીને આ હુમલો કર્યો હતો. યુક્રેનની રશિયા સાથેની કુર્સ્કની ૨૪૫ કિ.મી.ની સરહદ પર થોડા ઘણા રશિયન સૈનિકો હાજર હતા. તેમને કલ્પના પણ ન હતીં કે યુક્રેન અહીં હુમલો કરશે. આશ્ચર્યની વાત તો એ છે કે રશિયાએ આ જ કુર્સ્ક વિસ્તારમાંથી યુક્રેન પર બે હજારથી વધુ હુમલા કર્યા છે. 

યુક્રેને એક સાથે ચાર બ્રિગેડના દસ હજાર સૈનિકોને લઈને તીવ્રવેગે હુમલો કરતા રશિયા સ્તબ્ધ થઈ ગયું હતું. રશિયાના મિલિટરી બ્લોગરોએ પણ જણાવ્યું હતું કે યુક્રેનનો હુમલો અત્યંત તીવ્ર હતો. યુક્રેનની લશ્કરી ટુકડીઓ ઝડપી અને ભખ્તરબંધવાહનો સાથે રસિયામાં ઘૂસી ગઈ. તેનાથી રશિયામાં રીતસરનો ડર વ્યાપી ગયો.  યુક્રેનની આ ટુકડીઓ રશિયા સાથેના આકરા જંગમાં ભાગ લઈ ચૂકી છે. યુક્રેનના આ સૈનિકો પશ્ચિમે પૂરા પાડેલા અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ છે. 

લંડન રોયલ યુનાઇટેડ સર્વિસિઝ ઇન્સ્ટિટયુટના મિલિટરી સાયન્સ ડાયરેક્ટર મેથ્યુ સાવિલે જણાવ્યું હતું કે યુક્રેનના લશ્કરે ૩૦ કિ.મી. સુધીની ઘૂસણખોરી કરી છે અને લગભગ ૪૦૦ કિ.મી.ની જમીન કબ્જામાં કરી લીધી છે. રશિયા પોતે જ કબૂલે છે કે તેની લગભગ ૭૪ જેટલી વસાહતો યુક્રેનના કબ્જામાં છે.


Google NewsGoogle News