યુક્રેને રશિયા પર 140થી વધુ ડ્રોન છોડ્યા, મોસ્કો નજીકના ત્રણ એરપોર્ટ બંધ કરાયા
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ શાંત પડ્યું નથી. ત્યારે યુક્રેને રશિયા પર ડ્રોન હુમલો કર્યો છે. યુક્રેન દ્વારા છોડવામાં આવેલા 140થી વધુ ડ્રોને મોસ્કો સહિત અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. મોસ્કોના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવે જણાવ્યું હતું કે ડ્રોને મોસ્કો નજીક રામેન્સકોયે શહેરમાં બે બહુમાળી રહેણાંક ઇમારતોને નિશાન બનાવી હતી, જેના કારણે આગ લાગી હતી.
મોસ્કો નજીકના ત્રણ એરપોર્ટ બંધ કરવા પડ્યા
મોસ્કોના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવે જણાવ્યું હતું કે, 'આ હુમલામાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ક્ષતિગ્રસ્ત ઇમારતોની નજીકની પાંચ રહેણાંક ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી. આ હુમલાના કારણે મોસ્કો નજીકના ત્રણ એરપોર્ટ - વનુકોવો, ડોમોડેડોવો અને ઝુકોવ્સ્કીને બંધ કરવા પડ્યા છે' રશિયાની સિવિલ એવિએશન ઓથોરિટી રોસાવિઆતસિયાના જણાવ્યા અનુસાર, 'કુલ 48 ફ્લાઈટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.'
રશિયન સેનાએ ડ્રોન તોડી પાડ્યું
મોસ્કોમાં ડ્રોન હુમલાનો કાટમાળ શહેરની સીમમાં એક ખાનગી મકાન પર પડ્યો હતો, પરંતુ તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, મેયર સેરગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે, 'મોસ્કો તરફ જતા ડઝનેક ડ્રોન જોયા હતા જેમને સૈન્ય દ્વારા ઠાર મારવામાં આવ્યા હતા. નવ રશિયન પ્રદેશોમાં યુક્રેન દ્વારા છોડવામાં આવેલા કુલ 144 ડ્રોનને તોડી પાડ્યા છે.'