રશિયા-યુક્રેન યુદ્ધના કારણે રશિયન ગર્ભવતી મહિલાઓનું આર્જેન્ટિનામાં પલાયન, યુદ્ધ વચ્ચે બાળકને જન્મ આપવા નથી ઈચ્છતી
મોસ્કો, તા. 12 ફેબ્રુઆરી 2023 રવિવાર
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અત્યાર સુધીમાં 5 હજારથી વધુ પ્રેગનેન્ટ મહિલાઓ રશિયાથી આર્જેન્ટિના જઈ ચૂકી છે. ગુરુવારે બ્યૂનસ આયર્સ પહોંચનારી 33 મહિલાઓ ગર્ભાવસ્થાના છેલ્લા અઠવાડિયામાં હતી. આ મહિલાઓ યુદ્ધ વચ્ચે રશિયામાં બાળકને જન્મ આપવા ઈચ્છતી નથી. જો તેમનુ બાળક આર્જેન્ટિનામાં જન્મશે તો તેના કારણે માતા-પિતાને પણ સિટિજનશિપ મળવી સરળ થઈ શકે છે.
આ રશિયન મહિલાઓએ શરૂઆતમાં ટુરિસ્ટ તરીકે આર્જેન્ટિના જવાની વાત કહી હતી. જોકે બાદમાં તેમણે સ્વીકાર કર્યો કે તેઓ પોતાના બાળકોને શ્રેષ્ઠ ભવિષ્ય માટે આર્જેન્ટિનાની નાગરિકતા અપાવવા જઈ રહી છે. આ પ્રેગનેન્ટ મહિલાઓના પલાયનને બર્થ ટુરિઝ્મ નામ આપવામાં આવ્યુ છે.
આર્જેન્ટિનામાં બર્થ રજિસ્ટર કરાવી રહી છે રશિયન મહિલાઓ
મુશ્કેલી એ છે કે મહિલાઓ પોતાના બાળકોને આર્જેન્ટિનામાં રજિસ્ટર કરાવ્યા બાદ દેશ છોડી રહી છે. એવુ એટલા માટે કેમ કે આનાથી રશિયન પાસપોર્ટની તુલનામાં વધારે આઝાદી મળે છે. જે લોકો પાસે આર્જેન્ટિનાનો પાસપોર્ટ હોય છે, તેઓ સમગ્ર દુનિયાના 171 દેશોમાં વિઝા-ફ્રી દાખલ થઈ શકે છે. જ્યારે રશિયન પાસપોર્ટ દ્વારા માત્ર 87 દેશોમાં જ વિઝા વિના જઈ શકે છે.
ફેક ડોક્યુમેન્ટ્સ માટે 29 લાખ રૂપિયા ફી
આર્જેન્ટિના પોલીસ સતત એવી ગેંગ પર દરોડા પાડી રહી છે જે રશિયન મહિલાઓના ફેક પાસપોર્ટ બનાવવા અને તેમને આર્જેન્ટિનામાં દાખલ થવામાં મદદ કરે છે. આ ગેંગ પોતાની સર્વિસ માટે લગભગ 29 લાખ રૂપિયા ફી લે છે. અત્યાર સુધી પોલીસે કોઈ આરોપીની ધરપકડ કરી નથી, પરંતુ દરોડા દરમિયાન લેપટોપ, ઈમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ સાથે કેશ જપ્ત કરવામાં આવી છે.
આર્જેન્ટિનાની મેડીકલ સર્વિસ આકર્ષિત
યુદ્ધથી દૂર જવા સિવાય પ્રેગ્નેન્ટ મહિલાઓને આર્જેન્ટિનામાં વિઝા-ફ્રી એન્ટ્રી અને સારી મેડીકલ સર્વિસ પણ આકર્ષિત કરે છે. આર્જેન્ટિનામાં રહેવા અને બાળકોની ડિલિવરી સાથે જોડાયેલી ઓફર્સ માટે રશિયામાં વેબસાઈટ પણ છે. આ વેબસાઈટ પર પર્સનલઈઝ્ડ બર્થ પ્લાન્સ, એરપોર્ટથી પિક-અપની સાથે જ સ્પેનિશ ભાષાના ક્લાસ અને બ્યૂનોસ આયર્સની સારી હોસ્પિટલોમાં સારવારને લઈને અમુક પેકેજ ઉપલબ્ધ છે.