રાષ્ટ્રપતિ પુતિનનો બંગલો આગમાં લપેટાયો, યુક્રેન પર આરોપ, અહીં ન્યૂક્લિયર બંકર હોવાની ચર્ચા
Russian President House Burnt: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનનું સાઈબેરિયામાં અલ્તાઈ માઉન્ટેન પર આવેલાં એક બંગલામાં ભયંકર આગ લાગી ગઇ હતી. જોકે આગ કેવી રીતે ભડકી તે હજુ સુધી રહસ્ય છે પણ આરોપ યુક્રેન પર લાગ્યો છે.
પુતિન માટે આ મકાન મહત્ત્વનું ગણાતું હતું
આ એ જ મકાન છે જ્યાં પુતિને ઈટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વીયો બર્લુસ્કોનીની મહેમાનનવાઝી કરી હતી. એવું કહેવાય છે કે આ મકાનમાં છુપાવા માટે ગુપ્ત જગ્યા છે. અહીં પુતિન મેડિસિનલ બાથ લેતા હતા. આ સંપૂર્ણ પરિસર પર ગાઝપ્રોમની માલિકી છે જે રશિયામાં અનેક લક્ઝુરિયસ પેલેસનું ધ્યાન રાખે છે.
પરમાણુ યુદ્ધ થાય તો પણ અહીં સુરક્ષિત રહી શકાય તેવી વ્યવસ્થા!
મકાનમાં આગથી કેટલું નુકસાન થયું છે? તે અંગે હજુ કોઈ ખુલાસો નથી થયો પણ આગ અત્યંત ભયાનક હતી. આગ લાગવાનું કારણ પણ જાતી શકાયું નથી પણ અમુક લોકો માને છે કે આ કામ યુક્રેન જ કરી શકે છે કેમ કે રશિયાએ યુક્રેનમાં ભારે તબાહી મચાવી છે. આ મામલે પુતિન તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ જગ્યા એકદમ સુરક્ષિત છે અને કોઈ સામાન્ય રશિયન નાગરિક અહીં જઇ શકે તેમ નથી. બંગલોની ચારેયબાજુ સુરક્ષા પહેરો રહે છે. પુતિન અને તેમના પરિવારને અહીં સુરક્ષિત રાખવા માટે હાઈ ટેક બંકર બનાવાયા છે જેથી પરમાણુ યુદ્ધ વખતે પણ તે સુરક્ષિત રહી શકે.