સેનામાં જોડાવો, યુક્રેન સામે યુદ્ધ લડો અને 19 લાખનું બોનસ મેળવો: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ગજ્જબ ઓફર
Russia-Ukraine War: યુક્રેન સામેના યુદ્ધને કારણે રશિયાને ભારે નુકસાન થઈ રહ્યું છે. બે વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં બંને પક્ષના લાખો સૈનિકો માર્યા ગયા છે. હવે રશિયાની સેનામાં સૈનિકોની સંખ્યા વધારવા માટે અધિકારીઓએ નવા સૈનિકોને બોનસ આપવાની તૈયારી કરી છે. રાષ્ટ્રીય સ્તરે પણ પુતિન દ્વારા આ યોજના લાગુ કરવા માટે તૈયારીઓ હાથ ધરાઇ રહી છે.
એક મીડિયા અહેવાલ મુજબ મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને મંગળવારે (23 જુલાઈ) એક સત્તાવાર નિવેદન બહાર પાડીને લશ્કરમાં જોડાવનારા શહેરના રહેવાસીઓને 1.9 મિલિયન રુબેલ્સ એટલેકે અંદાજે રૂ. 18,41,697 વનટાઈમ બોનસની જાહેરાત કરી છે.
નવા સૈનિકોને તેમની સેવાના પ્રથમ વર્ષમાં 5.2 મિલિયન રુબેલ્સ એટલેકે રૂ. 49,89,324.60 સુધીની ઓફર કરવામાં આવી રહી છે. આ સિવાય વધુમાં યુદ્ધમાં ઘાયલ થયેલા લોકોને તેમની ઇજાઓની ગંભીરતાના આધારે રૂ. 4,76,329.82થી રૂ. 9,53,496.77 સુધીની વનટાઈમ રકમ ચૂકવવામાં આવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારને પણ રૂપિયા 28.58 લાખ ચૂકવવામાં આવશે.
રશિયાને ભારે નુકસાન :
રશિયન સરકાર માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા છુપાવી રહી હોવાના આક્ષેપ છે. એક અંદાજ મુજબ માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા ઘણી વધારે છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે માત્ર મે અને જૂન મહિનામાં રશિયાને ખાર્કિવ વિસ્તારમાં ભારે નુકસાનને કારણે 70,000થી વધુ સૈનિકો માર્યા ગયા હતા અથવા ઘાયલ થયા હતા. ડિસેમ્બરમાં કોંગ્રેસને આપવામાં આવેલી અમેરિકન ગુપ્ત માહિતીમાં જાણવા મળ્યું છે કે યુદ્ધની શરૂઆતથી રશિયાએ તેના 87 ટકા એક્ટિવ ભૂમિ-સૈનિકો અને તેની બે તૃતીયાંશ ટેન્ક ગુમાવી દીધી છે.
યુક્રેનમાં પણ સૈનિકો વધારવાની યોજના :
બંને પક્ષોનું નુકસાન વધી રહ્યું છે. રશિયા ઝડપથી સૈનિકોની સંખ્યા વધારવાનું વિચારી રહ્યું છે અને પુતિને 170,000 સૈનિકોની ભરતી કરવાનો આદેશ આપ્યો છે. આ ભરતી સાથે કુલ સૈન્ય સંખ્યાબળ 15 ટકા વધારીને 22 લાખથી વધુ કરવાની યોજના છે.
નવેમ્બર 2022 માં 300,000 સૈનિકોના લક્ષ્યને પૂર્ણ કર્યા પછી ભરતી અભિયાન અટકાવવામાં આવ્યું હોવા છતાં રશિયાએ તેની સરહદોની બહારથી સૌનિકો શોધવાનું ચાલુ રાખ્યું છે. અહેવાલો અનુસાર રશિયાએ 15,000 નેપાળી નાગરિકોની ભરતી કરી છે. વધુમાં અફઘાન, ભારત, કોંગો અને ઇજિપ્તમાંથી ભરતી કરીને રશિયન લશ્કરી એકેડમીમાં તેમને તાલીમ આપવામાં આવી રહી છે.