'યુક્રેન સાથે સીઝફાયરમાં અડચણ પેદા કરશો તો તબાહી...', ડોનાલ્ડ ટ્રમ્પની પુતિનને ચેતવણી
Trump Warning to Putin: યુક્રેન અને અમેરિકા વચ્ચે સાઉદી અરેબિયામાં યુદ્ધવિરામને લઈને સમજૂતી થઈ હતી. આ પછી અમેરિકાએ 30 દિવસના યુદ્ધવિરામની આ યોજના રશિયાને મોકલી હતી. આના પર પુતિનનું ઢીલું વલણ જોઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને કડક ચેતવણી આપી છે.
30 દિવસના સીઝફાયરનો કરાર પુતિનને મોકલવામાં આવ્યો
વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, 'મને આશા છે કે રશિયા યુદ્ધવિરામ માટે સંમત થશે. અમારા પ્રતિનિધિ રશિયા જઈ રહ્યા છે. યુક્રેન સાથે રશિયાના 30 દિવસના સીઝફાયરનો કરાર પુતિનને મોકલવામાં આવ્યો છે.'
યુદ્ધ બાબતે ટ્રમ્પે પુતિનને ચેતવણી આપી
ટ્રમ્પે પુતિનને ચેતવણી આપી હતી કે, 'જો રશિયા યુક્રેન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેને આનું આર્થિક પરિણામ ભોગવવું પડી શકે છે. અમે કેટલાક પગલાં લઈ શકીએ છીએ જે તેમના પર નકારાત્મક નાણાકીય અસર કરી શકે છે. આ રશિયા માટે ઘાતક સાબિત થશે. હું આ નથી ઈચ્છતો કારણ કે મારો હેતુ શાંતિ લાવવાનો છે.'
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આ મામલે રશિયાનું કહેવું છે કે, 'અમે આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છીએ. આ પ્રસ્તાવ બાબતે સૌથી પહેલા અમેરિકા સાથે ચર્ચા કરવામાં આવશે. આ જમીન, હવા અને પાણી ત્રણેય સ્તરે યુદ્ધ રોકવાની વાત છે.'
રશિયાની સંમતિ બાદ સીઝફાયર લાગુ થશે
અગાઉ, સાઉદી અરેબિયાના જેદ્દાહમાં અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે 30 દિવસના યુદ્ધવિરામ પર સહમતિ બની હતી. સર્વસંમતિ બન્યા બાદ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે, 'હવે આ પ્રસ્તાવ રશિયાને મોકલવામાં આવશે. હવે રશિયાએ આ માટે સંમત થવું પડશે, ત્યારબાદ તેને લાગુ કરવામાં આવશે.'
આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાઉદી અરેબિયા પહોંચ્યા હતા અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળ્યા હતા. સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચેની આ બેઠક મંગળવારે યુક્રેનના અધિકારીઓ અને સાઉદી-અમેરિકન પ્રતિનિધિઓ વચ્ચે શાંતિ સમજૂતી માટે વાટાઘાટો પહેલા થઈ હતી.