હત્યા થવાની આશંકાથી ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને યુક્રેન પ્રવાસ રદ કર્યોઃ રશિયન મીડિયા
image : Socialmedia
પેરિસ,તા.15 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની યુક્રેનની મુલાકાત રદ થઈ જતા જાત જાતની અટકળો શરુ થઈ છે.
ફ્રાંસની સરકારે આ મુલાકાત રદ કરવા પાછળ કોઈ કારણ નથી આપ્યુ. મેક્રોન ફેબ્રુઆરી મહિનામાં યુક્રેન પહોંચવાના હતા. બીજી તરફ રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે, યુક્રેનમાં મેક્રોનની હત્યા થાય તેવી આશંકાના પગલે આ મુલાકાત રદ કરવામાં આવી છે. મેક્રોનની હત્યાના કાવતરામાં યક્રેનની ઈન્ટેલિજન્સ એજન્સીના પ્રમુખ કિરિલો બુડાનોવ પણ સામેલ છે.
રશિયન અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર રશિયન રાષ્ટ્રપતિ પુતિનને આ બાબતની જાણકારી મળી ગઈ હતી. તેમના દ્વારા ફ્રાંસ સરકારને આ જાણકારી પહોંચાડવામાં આવી હતી અને એ પછી મેક્રોનનો યુક્રેન પ્રવાસ પડતો મુકવાનો નિર્ણય લેવાયો હતો.
દરમિયાન મેક્રોનના કાર્યાલય દ્વારા એક નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યુ છે કે, મેક્રોન અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી વચ્ચે શનિવારે યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધની સ્થિતિ તેમજ યુક્રેનની જરુરિયાતો પર ચર્ચા થઈ છે. બંને દેશો વચ્ચે સુરક્ષા સહયોગના મુદ્દા પર પણ વાતચીત થઈ છે. જેલેન્સ્કી શુક્રવારથી શરુ થનારા મ્યુનિક સુરક્ષા સંમેલનમાં ભાગ લેવા માટે આવશે અને આ દરમિયાન તેઓ બર્લિન અને પેરિસની મુલાકાત લે તેવી શક્યતા છે.
યુક્રેને જોકે રશિયાના દાવાને ફગાવી દેતા કહ્યુ છે કે, રશિયા દ્વારા યુક્રેન સામે દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રશિયા યુક્રેનને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવા માંગે છે. અન્ય દેશો સાથેના યુક્રેનના મજબૂત ગઠબંધનથી રશિયા બહાવરુ બની ગયુ છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને બે વર્ષ થયા છે. જોકે આ યુધ્ધ ક્યારે રોકાશે તે કોઈ કહી શકે તેમ નથી. યુએનના કહેવા પ્રમાણે આ યુધ્ધમાં 10000 લોકો જીવ ગુમાવી ચુકયા છે.