રશિયા-યુક્રેન યુદ્ધ 24 કલાકમાં ખતમ કરવાનો દાવો કરનાર ટ્રમ્પની પલટી? પુતિન સાથે કરી વાત
US President Donald Trump And Russian President Vladimir Putin : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પહેલા દાવો કર્યો હતો કે, તેઓ રાષ્ટ્રપતિ બન્યા બાદ 24 કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરી દેશે. જોકે હવે તેમણે યુદ્ધ અંગે ચોંકાવનારનું નિવેદન આપ્યું છે. આમ તો ટ્રમ્પ યુદ્ધ ખતમ કરવાની તરફેણ કરતા રહે છે. તાજેતરમાં જ તેમણે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, ‘મારા અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. અમે બંનેએ યુદ્ધ ખતમ કરવા અંગે વાત કરી છે.’ તેમણે એમ પણ કહ્યું કે, પુતિન પણ ઈચ્છે છે કે, લોકોનું મરવાનું બંધ થવું જોઈએ. વર્ષ 2022માં યુદ્ધ શરુ થયા બાદ બંને દેશના રાષ્ટ્રપતિ વચ્ચે આ પહેલી વાતચીત થઈ છે.
હું રાષ્ટ્રપતિ હોત તો, યુદ્ધ જ શરૂ થયું ન હોત : ટ્રમ્પ
ન્યુયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘માત્ર અમે જ નહીં પુતિન પણ યુદ્ધમાં જીવ ગુમાવનારાઓ મુદ્દે ચિંતિત છે. ત્યાં જે લોકોના મોત થઈ રહ્યા છે, તેઓ આપણા બાળકો જેવા છે. હું ઈચ્છું છું કે, યુદ્ધમાં લોકોનું મરવાનું વહેલીતકે બંધ થવું જોઈએ. લગભગ ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, જો હું રાષ્ટ્રપતિ હોત તો મેં ક્યારે યુદ્ધ શરૂ ન થવા દીધું હોત. મારા પુતિન સાથે સારા સંબંધો છે.’
ટ્રમ્પે 24 કલાકમાં યુદ્ધ ખતમ કરવાનો દાવો કર્યો હતો
તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટીકા કરતા કહ્યું કે, ‘બાઈડેને આપણા દેશ માટે શરમજનક સ્થિતિ ઉભી કરી દીધી છે. હાલ યુદ્ધ ખતમ કરવામાં થોડો સમય લાગશે. અમે આ યુદ્ધ ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ચૂંટણી પહેલા 24 કલાકમાં યુદ્ધ ખતમ કરવાનો દાવો કર્યો હતો, જોકે હવે તેમણે કહ્યું છે કે, યુદ્ધ સમાપ્ત કરવામાં થોડો સમય લાગશે.
ટ્રમ્પના નિવેદનથી ક્રેમલિન અજાણ
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવને ‘ટ્રમ્પે યુદ્ધ ખતમ કરવાનું નિવેદન’ આપ્યું હોવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, ‘બંને દેશો વચ્ચે વાતચીતના વિવિધ માધ્યમો કામ કરે છે. ટ્રમ્પે નિવેદન આપ્યું હોવાનું અને તેમણે પુતિન સાથે વાતચીત કરી હોવા વિશે હું વ્યક્તિગત રીતે અજાણ છું અને હું તેનો ઈન્કાર ન કરી શકું.’ આ પહેલા ક્રેમલિને કહ્યું હતું કે, રશિયા શાંતિ ઈચ્છે છે અને તેઓ શાંતિ માટે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર છે.
ટ્રમ્પે ચૂંટણી પહેલા ઝેલેન્સ્કીની ટીકા કરી હતી
ચૂંટણી પહેલા ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીની ટીકા કરતા કહ્યું હતું કે, ‘અત્યાર સુધી જન્મેલા તમામ નેતાઓમાંથી ઝેલેન્સકી કદાચ શ્રેષ્ઠ સેલ્સમેન છે. દર વખતે તેઓ આપણા દેશમાં આવે છે અને 60 અબજ ડોલર લઈને ચાલ્યા જાય છે. તે ચાર દિવસ પહેલા અમેરિકાથી 60 બિલિયન ડોલર લઈને વતન પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને ફરી જાહેરાત કરી દીધી હતી કે અમને 60 બિલિયન ડોલરની વધુ મદદની જરૂર છે. આ ક્યારેય ખતમ નહીં થશે. હું પ્રમુખ પદની ચૂંટણી જીત્યા બાદ સત્તા હસ્તગત કરતા પહેલા જ આ મામલાનો ઉકેલ લાવી દઈશ. હું 24 કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધને રોકી શકુ છું.
આ પણ વાંચો : નેતન્યાહુની ધરપકડનો આદેશ આપનાર આઈસીસી પર ટ્રમ્પે નિયંત્રણો મુક્યા