‘અમારો દેશ યુદ્ધના અંત સુધી પહોંચવાની તૈયારીમાં’ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીનું મોટું નિવેદન
- એવું લાગે છે કે નરેન્દ્ર મોદીના પ્રયત્નો સફળ થઈ રહ્યા છે
- મને લાગે છે કે, આપણે ધારિએ છીએ તે કરતાં પણ યુદ્ધ વહેલું પૂરૃં થશે : અન્ય મિત્રો પણ યુક્રેનને સાથ આપી રહ્યાં છે
ન્યૂયોર્ક : યુક્રેનના પ્રમુખ વૉલોડીમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, તેમનો દેશ યુદ્ધના અંત સુધી પહોંચી રહ્યો છે. એબીસી ન્યૂઝને આપેલી એક મુલાકાતમાં રશિયા સામેનાં યુદ્ધ વિશે બોલતાં, યુક્રેનના પ્રમુખે કહ્યું હતું કે, ''મને લાગે છે કે, આપણે ધારિયે છીએ તે કરતાં પણ યુદ્ધ વહેલું પુરૃં થશે અને ધારિએ છીએ તે કરતાં પણ વહેલી શાંતિ સ્થપાઈ જશે.'' આ મુલાકાતમાં તેઓએ વૉશિંગ્ટન અને અન્ય મિત્ર દેશોને યુક્રેનને પૂરો સાથ આપવાનું ચાલુ રાખવા પણ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે રશિયાએ ૨૪, ફેબુ્રઆરી ૨૦૨૨ના દિને યુક્રેન ઉપર વ્યાપક આક્રમણ શરૂ કર્યું હતું.
ઝેલેન્સ્કીનાં આ વિધાનો અંગે નિરીક્ષકોનું કહેવું છે કે, સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં હાજરી આપવા યુ.એન. પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન યુદ્ધ અટકાવવા સઘન પ્રયત્નો શરૂ કર્યા હતા. સંભવ તે પણ છે કે, તેઓએ રશિયાના રાજદૂતને જ કોઈ પણ ભોગે યુદ્ધ બંધ કરવા સમજાવી દીધા હશે...તે સર્વવિદિત છે કે, રશિયા અને ભારત વચ્ચે ભારતના સ્વાતંત્ર્ય સમયથી અને વિશેષત: રશિયાના (તે સમયનાં સોવિયેત સંઘના) સરમુખત્યાર જોસેફ સ્ટાલિનનાં નિધન પછી તો સંબંધો સતત ગાઢ રહ્યાં છે. આથી ભારતનાં સૂચનો ઉપર રશિયા ધ્યાન આપે જ તે સર્વમાન્ય સ્થિતિ છે. સંભવ તે પણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેલેન્સ્કીને ગમે તેમ કરી સમજાવી દીધા હશે કે રશિયન ભાષા યુક્રેનના વિસ્તારો જેની ઉપર રશિયાએ કબજો કર્યો છે તે પૈકી ડૉન-બાસ વિસ્તારનો કેટલોક ભાગ તેઓએ જતો કરવો તેમાં ડહાપણ છે. કિમીયન દ્વિપકલ્પને હવે તમારે ભૂલી જ જવો પડે. ઉપરાંત ઉત્તર પૂર્વમાં રશિયાના જે વિસ્તારો કબજે કર્યા છે તે છોડી દઈ. ગમે તે ભોગે શાંતિ મેળવવી જ જોઈએ. સાથે રશિયાને તેનાં દળો યુક્રેનમાંથી પાછાં ખેંચવા હું રશિયાને અનુરોધ કરીશ. આ સંભાવના નિરીક્ષકો માની રહ્યાં છે.
બીજી તરફ નક્કર વાસ્તવિકતા તે છે કે યુક્રેન તો આ યુદ્ધથી તૂટી ગયું છે. જ્યારે રશિયા પણ હવે થાક્યું છે. તેથી પુતિન તેમના મિત્ર મોદીનું કહેવું માની તે આડ નીચે યુદ્ધ બંધ કરે તે સંભાવના છે. કોઈપણ કારણ વિના રશિયા યુદ્ધ બંધ કરે તો તેનો 'અહમ્' સહજ રીતે ઘવાય પરંતુ નરેન્દ્ર મોદીનું કહ્યું માનવું પડે તેમ કહી પુતિન યુદ્ધ બંધ કરે પણ ખરા.
નિરીક્ષકોનું આ મંતવ્ય વિચારણીય તો જરૂર છે. આશા રાખીએ કે જે યુદ્ધને લીધે વિશ્વ પરમાણુ યુદ્ધની કગાર તરફ જઈ રહ્યું હતું તે યુદ્ધ વહેલામાં વહેલી તકે બંધ થાય. નિરીક્ષકો તેમ પણ કહે છે કે જો નરેન્દ્ર મોદી તેમાં સફળ થશે તો શાંતિનાં નોબેલ પ્રાઇઝને યોગ્ય બનશે અને સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ભારતને કાયમી સભ્યપદ મળશે.