એક ખૂનીને ગળે લગાવ્યો: મોદી-પુતિનની મિત્રતા જોઈને ભડક્યા ઝેલેન્સ્કી, યુક્રેનમાં વધુ 41ના મોત

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
 Russia Ukraine War

Image: IANS


volodymyr Zelensky Reaction On PM Modi Meeting With Putin:  યુક્રેનના રાષ્ટ્રપતિએ મોદી-પુતિનની મુલાકાત પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે મોદીની મુલાકાતને યુક્રેનમાં શાંતિ પ્રયાસો માટે મોટો ફટકો ગણાવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા 'X' પર લખ્યું છે કે, 'દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના નેતા વિશ્વના સૌથી લોહિયાળ નેતાને ગળે લગાવે તે નિરાશાજનક છે.'

વાસ્તવમાં, યુક્રેનનો દાવો છે કે સોમવારે રશિયાએ કિવમાં બાળકોની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો જેમાં 41 લોકો માર્યા ગયા હતા. આ બધું ત્યારે થયું જ્યારે મોદી રશિયાના પ્રવાસે રવાના થયા હતા. અમેરિકન ન્યૂઝ ચેનલ અનુસાર, હુમલા બાદ 600થી વધુ દર્દીઓને હોસ્પિટલમાંથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

હુમલાના થોડા સમય બાદ હોસ્પિટલની ઇમારત ધરાશાયી થઈ હતી. પોલીસે જણાવ્યું કે 3 બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે બાકીના ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ કહ્યું કે આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો જ્યારે હોસ્પિટલમાં ભીડ હતી. યુરોપિયન યુનિયનની સુરક્ષા પરિષદે મંગળવારે આ ઘટના પર વિશેષ બેઠક બોલાવી છે. તે પહેલાં ઝેલેન્સ્કીએ બદલો લેવા માટે દેશના સૈન્ય અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.

રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક લોકો કાટમાળ હટાવીને લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોના જણાવ્યા પ્રમાણે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. હુમલો એટલો મોટો હતો કે આસપાસની 100થી વધુ ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું. યુક્રેનિયન એરફોર્સે અહેવાલ આપ્યો છે કે તેણે 38માંથી 30 રશિયન મિસાઇલોને તોડી પાડી છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો હતો. આ હુમલાઓમાં સૌથી વધુ નુકસાન દ્નિપ્રો, ક્રિવી રી, સ્લોવ્યાંસ્ક અને ક્રામાટોરસ્ક શહેરોને થયું છે.

આ પણ વાંચો : રશિયામાં 'સર પે લાલ ટોપી' ગીત ગવાતું, એ ભલે જૂનું થયું પણ લાગણી હજુ એવી જ છે: PM મોદી

3 દિવસ પહેલા 55 વખત એરસ્ટ્રાઈક

રશિયાએ શુક્રવાર અને શનિવારે છેલ્લા 24 કલાકમાં યુક્રેન પર 55 હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 11 લોકોના મોત થયા છે અને 43થી વધુ લોકો ઘાયલ થયા છે. રશિયન સમાચાર એજન્સી આરઆઈએ અનુસાર, રશિયન સેનાએ શુક્રવારે 6 રોકેટ અને 70 થી વધુ ગ્લાઈડ બોમ્બથી યુક્રેનના અલગ-અલગ સ્થળો પર હુમલો કર્યો હતો.

રશિયા અને યુક્રેન વચ્ચે 2 વર્ષથી યુદ્ધની સ્થિતિ

રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયેલા યુદ્ધને 2 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. નાટોમાં જોડાવાના આગ્રહને કારણે યુક્રેન પર વ્લાદિમીર પુતિન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 40 લાખથી વધુ યુક્રેનિયન નાગરિકોને દેશ છોડવો પડ્યો છે. આ લોકો હવે અન્ય દેશોમાં શરણાર્થીઓની જેમ જીવી રહ્યા છે. 65 લાખથી વધુ યુક્રેનવાસીઓ બેઘર થઈ ગયા છે. યુક્રેનના 10 હજાર નાગરિકોના મોત થયા છે, જ્યારે 18,500 લોકો ઘાયલ થયા છે. યુક્રેનનો દાવો છે કે રશિયાએ 3.92 લાખ સૈનિકો ગુમાવ્યા છે. આ દરમિયાન અમેરિકાએ રશિયાની 500 કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા હતા.

આ પણ વાંચો : યુક્રેનમાં યુદ્ધ લડી રહેલા ભારતીયોની થશે સ્વદેશ વાપસી, PM મોદીની અપીલ પર પુતિનનો મોટો નિર્ણય  એક ખૂનીને ગળે લગાવ્યો: મોદી-પુતિનની મિત્રતા જોઈને ભડક્યા ઝેલેન્સ્કી, યુક્રેનમાં વધુ 41ના મોત 2 - image


Google NewsGoogle News