અમારી ન્યુક્લિયર મિસાઈલને પેરિસ સુધી પહોંચતા બે જ મિનિટ લાગશે, રશિયાની ફ્રાંસ પર પરમાણુ હુમલાની ધમકી

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
અમારી ન્યુક્લિયર મિસાઈલને પેરિસ સુધી પહોંચતા બે જ મિનિટ લાગશે, રશિયાની ફ્રાંસ પર પરમાણુ હુમલાની ધમકી 1 - image

પેરિસ,તા.22 માર્ચ 2024.શુક્રવાર

રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધમાં યુક્રેનની પડખે ઉભા રહેલા ફ્રાન્સને રશિયાએ પરમાણુ હુમલાની ધમકી આપી છે.

પુતિનના નિકટના સાથીદાર તેમજ રશિયન સંસદના ઉપાધ્યક્ષ પ્યોત્ર ટોલ્સ્ટોયે ફ્રાંસના સૈનિકો યુક્રેન વતી લડવા માટે ઉતરશે તો રશિયા દ્વારા પેરિસ પર પરમાણુ હુમલો કરવામાં આવી શકે છે તેવી શકયતા વ્યક્ત કરી છે.

 પ્યોત્ર ટોલ્સ્ટોયે ફ્રાંસની એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં નાટકીય અંદાજમાં કહ્યુ હતુ કે, રશિયાએ પેરિસ પર પરમાણુ હુમલાની ગણતરી પણ કરી લીધી છે. રશિયા દ્વારા લોન્ચ કરાયેલી ન્યુક્લિયર મિસાઈલને પેરિસ સુધી પહોંચતા માત્ર બે જ મિનિટ લાગશે. રશિયા માટે પોતાના દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરુરી છે. કારણકે ફ્રાંસ સહિતના નાટો દેશો રશિયન સીમાઓની આસપાસ મિસાઈલો તૈનાત કરીને રશિયા માટે ખતરો પેદા કરી રહ્યા છે. ફ્રાંસે જો યુક્રેન વતી જંગમાં પોતાના સૈનિકોને ઉતાર્યા તો રશિયાની સેના આ તમામ સૈનિકોને પણ ખતમ કરી નાંખશે.

રશિયન સંસદના ઉપાધ્યક્ષ પ્યોત્ર ટોલ્સ્ટોયે પરમાણુ હુમલાની ધમકી આપીને રશિયાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. તાજેતરમાં ફ્રાંસના પ્રમુખ મેક્રોને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ધમકી આપી હતી કે, જો રશિયા હવે કીવ પર વધુ એક ભીષણ હુમલો કરશે તો ફ્રાંસ પણ રશિયાની સરહદ પર પોતાની સેના મોકલી શકે છે. એ પછી રશિયન રાષ્ટ્રપતિ પુતિન ફ્રાંસ પર ભડકેલા છે. તેમણે પોતાના નિકટના અને વિશ્વાસુ નેતા થકી ફ્રાંસને ધમકી આપી દીધી છે.


Google NewsGoogle News