રશિયાએ 75 ડ્રોન વડે યુક્રેનની રાજધાનીને કરી ટાર્ગેટ, અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન એટેક
Image Source: Twitter
મોસ્કો,તા.26.નવેમ્બર.2023
હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના જંગના કારણે દુનિયાનુ ધ્યાન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ પરથી હટી ચુકયુ છે અને આ દરમિયાન રશિયાએ યુક્રેન પર હુમલા ચાલુ રાખ્યા છે.
2022માં શરુ થયેલા યુધ્ધ બાદ રશિયાએ અત્યાર સુધીનો સૌથી ભીષણ ડ્રોન એટેક શનિવારે સવારે યુક્રેનની રાજધાની કીવ પર કર્યો હતો. યુક્રેનના અધિકારીઓએ આ હુમલાની વાતને સમર્થન આપ્યુ છે. યુક્રેનની એરફોર્સના કમાન્ડર માયકોલા ઓલેશચુકે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં કહ્યુ છે કે, આ હુમલામાં રાજધાવીની કીવને નિશાન બનાવાઈ હતી અને રશિયાએ ઈરાનની બનાવટના 75 ડ્રોન વડે હુમલો કર્યો હતો. જેમાંથી 74 ડ્રોન અમે તોડી પાડયા છે.
યુક્રેનની વાયુસેનાના અન્ય એક પ્રવક્તાએ પણ કહ્યુ હતુ કે, કીવ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા 66 જેટલા હવાઈ હુમલા અમારી એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા છે. આ હુમલા સવારે ચાર વાગ્યે શરુ થયા હતા અને બે કલાક સુધી ચાલ્યા હતા. આ દરમિયાન ઠેર ઠેર વીજ પૂરવઠો પણ ખોરવાયો હતો. જોકે બપોર બાદ ફરી વીજ પૂરવઠો શરુ કરી દેવાયો હતો.
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ પણ સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, અમારા સૈનિકોએ મોટાભાગના ડ્રોન તોડી પાડ્યા હતા. કમનસીબે અમુક ડ્રોન બચી ગયા હતા. જોકે અમે અમારી એર ડિફેન્સ સિસ્ટમ મજબૂત બનાવવાનુ અને ડ્રોનને તોડી પાડવા માટેની ક્ષમતા વધારવાની કામગીરી ચાલુ રાખીશું.