Get The App

રશિયાનો 100 મિસાઈલોથી યુક્રેન પર વળતો પ્રહાર, વાટાઘાટોનો પુતિનનો ઈનકાર

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
રશિયાનો 100 મિસાઈલોથી યુક્રેન પર વળતો પ્રહાર, વાટાઘાટોનો પુતિનનો ઈનકાર 1 - image


- યુક્રેનનો રશિયાના સારાતોવ પર 9-11 સ્ટાઈલથી ડ્રોન હુમલો

- રશિયાએ કીવ સહિત અનેક શહેરોમાં ઊર્જા મથકોને નિશાન બનાવતાં સૌથી મોટા હુમલો કર્યો, વીજળી અને પાણી ખોરવાયા

કીવ : રશિયા અને યુક્રેનનું યુદ્ધ વધુ ભયાનક બની રહ્યું છે. યુક્રેને સોમવારે અમેરિકાના ટ્વીન ટાવર પર ૯-૧૧ના હુમલાની યાદ તાજી કરાવે તેવો હુમલો રશિયા પર કર્યો હતો. યુક્રેનનું ડ્રોન રશિયાના સારાટોવમાં એક રહેણાંક ઈમારત સાથે અથડાયું હતું. ઈમારતને ભારે નુકસાન થયું હતું, પરંતુ જાનહાની અંગે કોઈ સમાચાર નથી. જોકે, આ હુમલાના જવાબમાં રશિયાએ રાજધાની કીવને નિશાન બનાવતા ૧૦૦થી વધુ મિસાઈલો સાથે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. યુક્રેનના હુમલાથી અકળાયેલા પુતિને હવે ઝેલેન્સ્કી સાથે વાટાઘાટોનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું કે, તેઓ યુક્રેનને જડબાતોડ જવાબ આપશે.

યુક્રેને રશિયાની કુર્સ્ક વિસ્તારની જમીન પર કબજો કરી લેવાની સાથે રશિયાના આક્રમણ સામે બચાવના બદલે હવે હુમલા કરવાનું વલણ અપનાવ્યું છે, જેના ભાગરૂપે યુક્રેનના સૈન્યે રશિયાના કુર્સ્ક વિસ્તાર પર કબજો જમાવ્યો છે અને તેમાં હજુ આગેકૂચ કરી રહ્યા છે. પ્રમુખ ઝેલેન્સ્કીએ પણ કહ્યું કે યુક્રેનનું સૈન્ય રશિયાના કુર્સ્ક વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. 

આ સાથે યુક્રેને રશિયા પર આક્રમણ વધારતા ડ્રોનથી સારાટોવ શહેરની સૌથી ઊંચી ૩૮ માળખની રહેણાંક ઈમારત પર હુમલો કર્યો હતો. આ ડ્રોન હુમલાએ અમેરિકા પર થયેલા ૯-૧૧ના આતંકી હુમલાની યાદ અપાવી દીધી હતી. આ હુમલાનો વીડિયો સોમવારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. ડ્રોન હુમલાના કારણે ઈમારતના ચાર માળને નુકસાન થાય છે. યુક્રેનના આ હુમલા પછી રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન ખૂબ જ અકળાઈ ગયા હતા. તેમણે યુક્રેન પર ભયાનક હુમલા કરવાનો આદેશ આપતાં રશિયન સૈન્યે રાજધાની કીવ, ખારકીવ, વિનિતીસિયા, ક્રીવી રીહ, ઝૈપોરિઝિયા, ખ્મેલિત્સ્કી, ઓડેશા, ડિનપ્રો અને અન્ય શહેરો પર ૧૦૦થી વધુ મિસાઈલો, બોમ્બર, આત્મઘાતી ડ્રોનથી હુમલા કર્યા હતા.

રશિયાએ તેના હુમલામાં યુક્રેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિશેષરૂપે નિશાન બનાવ્યા હતા. તેણે મોટાભાગે વીજપૂરવઠો પૂરા પાડતા ગ્રીડ્સ અને પાવર સ્ટેશન પર હુમલા કર્યા હતા.  આ સિવાય રશિયન સૈન્યે કીન અને દેનપ્રોપોત્રોવસ્ક વિસ્તારના એરફિલ્ડ અને હથિયાર ડેપોને પણ ટાર્ગેટ કર્યા હતા. 

રશિયાએ દાવો કર્યો હતો કે, તેના મિસાઈલો અને ડ્રોન્સે સચોટ નિશાન લગાવ્યા છે. આ હુમલાઓના કારણે યુક્રેનમાં અનેકજગ્યાઓ પર વીજળી પૂરવઠો અને ટ્રાન્સપોર્ટ ખોરવાઈ ગયા છે. રશિયાએ યુક્રેન પર હુમલા માટે હાઈપરસોનિક કિંજલ મિસાઈલનો પણ ઉપયોગ કર્યો છે. બીજીબાજુ યુક્રેને દાવો કર્યો છે કે તેની એર ડિફેન્સ સિસ્ટમે રશિયાના ૧૫ મિસાઈલ અને એટલા જ ડ્રોન્સ તોડી પાડયા છે.


Google NewsGoogle News