રશિયાએ યુક્રેનના ૫ શહેરો ઉપર ૪૦ થી વધુ હાઇપર સોનિક મિસાઇલોથી હુમલો કર્યો, ૨૪ થી વધુના મોત
યુક્રેનની રાજધાની કિવની આસપાસના વિસ્તારોને નિશાન બનાવ્યા
બાળકોની હોસ્પિટલ પણ મિસાઇલ હુમલાનો ભોગ બની
કિવ,૮ જુલાઇ,૨૦૨૪,સોમવાર
રશિયા અને યુક્રેન વચ્ચે ૨ વર્ષ અને ૫ મહિના જેટલો સમય પસાર થયા પછી પણ યુધ્ધ વિરામના કોઇ જ એંધાણ જણાતા નથી. રશિયાએ યુક્રેનના શહેરો પર ફરી એક ભીષણ હુમલો કર્યો છે જેમાં ૨૪થી વધુના મોત થયા છે. રશિયાએ મિસાઇલોથી કરેલા હુમલામાં યુક્રેનની રાજધાની કિવની આસપાસના વિસ્તારોને નિશાન બનાવ્યા છે.
રશિયાએ ૪૦ જેટલી શકિતશાળી મિસાઇલો છોડી હતી. જેમાં એક હાઇપર સોનિક મિસાઇલ હોસ્પિટલ પર પડતા ધરાશયી થઇ હતી. હોસ્પિટલના કાટમાળમાં ફસાયેલાને બચાવવા માટે રાહત અને બચાવ કામગીરી ચાલું છે. અનેક સ્વયંસેવકો, તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ પણ બચાવ કામગીરીમાં જોડાયેલો છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનના રાજધાની વિસ્તારમાં ઓખમાટડિટ ચિલ્ડ્રન હોસ્પિટલમાં રશિયાની હાઇપર સોનિક મિસાઇલે યુક્રેનના નિદોર્ષ બાળકોનો ભોગ લીધો હતો.
રશિયાની સેનાએ મધ્ય યુક્રેનના એક શહેર કીર્વી રીહ પર પણ હુમલો કર્યો જેમાં હવાઇ હુમલો કર્યો હતો. આ હુમલામાં પણ કમસેકમ ૧૦ લોકોના મોત થયા હતા. રશિયાએ ઘણા સમય પછી કિવને ટાર્ગેટ બનાવ્યું છે. યુક્રેની વાયુસેનાના જણાવ્યા અનુસાર હુમલામાં કિૅંજલ હાઇપર સોનિક પ્રક્ષેપાસ્ત્રનો સમાવેશ થતો હતો. આ મિસાઇલ સૌથી ઉચ્ચ પ્રકારના હથિયારોમાં થાય છે. મિસાઇલ હુમલામાં શહેરની ઇમારતો ધણધણી ઉઠી હતી.
આગામી દિવસોમાં યુક્રેન -રશિયા યુધ્ધ વધારે વકરે તેવી શકયતા
યુક્રેનના રાષ્ટ્પતિ ઝેલેંસ્કીએ હુમલાની નિંદા કરતા જણાવ્યું હતું કે સમગ્ર દુનિયાએ રશિયાના હુમલા રોકવા માટે દ્વઢ સંકલ્પ સાથે આગળ આવવું જોઇએ. પુતિન હત્યા કરાવી રહયા છે ત્યારે સાથે મળીને જ વાસ્તિવિક શાંતિ અને સુરક્ષા લાવી શકાય છે. કુલ પાંચ શહેરોમાં ૪૦ જેટલી મિસાઇલોથી હુમલો થયો હતો. હુમલાના થોડાક સમય પહેલા જ સાયરનના અવાજ શરુ થયા હતા.
લોકોએ પોતાનો જીવ બચાવવા શેલ્ટર હાઉસમાં આશરો લેવો પડયો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ વોશિંગ્ટનમાં નાટો શિખર સંમેલન પહેલા પોલેન્ડની મુલાકાત લીધી હતી. નાટોએ પણ યુક્રેનની મદદ માટે પોતાની સેના ઉતારવાનો સંકેત આપતા રશિયા ગુસ્સે ભરાયું છે. આગામી દિવસોમાં યુક્રેન -રશિયા યુધ્ધ વધારે વકરે તેવી શકયતા છે.