તાઈવાન પ્રશ્ને રશિયા ચીન સાથે છે, રશિયાના વિદેશમંત્રી સર્ગી લાવરોવ
- વિશ્વ મ.પૂ.માં વ્યસ્ત છે ત્યારે ચીન પૂર્વમાં ભડકો કરશે ?
- યુક્રેન સંઘર્ષમાં ચીને રશિયાને આપેલાં સમર્થનની પ્રશંસા કરી કહ્યું યુ.એસ. અને તેના સેટેલાઈટ્સ તાઈવાન સ્ટ્રેટમાં વમળો ઊભાં કરી રહ્યા છે
મોસ્કો : રશિયાના વિદેશ મંત્રી સર્ગી લાવારોવે સ્પષ્ટ કહ્યું હતું કે તાઈવાન પ્રશ્ને રશિયા ચાઇનાની સાથે છે. તેટલું જ નહીં પરંતુ અન્ય અનેક મુદ્દાઓ ઉપર પણ તે ચીનને સમર્થન આપે છે. આ સાથે તેઓએ કહ્યું હતું કે રશિયા વન ચાઈના નીતિને પૂરૃં સમર્થન આપે છે.
ચીન સાથે રશિયાએ બાંધેલા રાજદ્વારી સંબંધોની ૭૫મી જયંતિ નિમિત્તે રશિયાનાં સરકાર હસ્તકનાં વર્તમાન પત્ર રોઝિસ્ક્યા ગેઝેટામાં આપેલા એક લેબમાં લાવરોવે યુક્રેન પ્રશ્ને ચાયનાએ લીધેલાં સમતોલ અભિગમની પણ તેઓએ પ્રશંસા કરી હતી, અને લખ્યું હતું કે એશિયામાં ઉપસ્થિત અન્ય પ્રશ્નોને પણ રશિયા ચીનને ટેકો આપે છે.
આ સાથે અમેરિકાની ટીકા કરતાં તેમણે લખ્યું હતું કે અમેરિકા જાણી જોઇને તાઈવાનની સમુદ્ર ધુનિમાં વમળો ઉભાં કરે છે તેમાં તેના સેટેલાઇટનો પણ સાથ છે. જ્યારે એશિયા પેસિફિક રીજીયનમાં પશ્ચિમના પદાક્રમણથી ઉપસ્થિત થતાં જોખમો અંગે રશિયા અને ચીનનો અભિગમ એક સમાન છે. તેઓએ વધુમાં લખ્યુ છે કે યુનાઇટેડ સ્ટેટસ અને તેનો સેટેલાઇટ્સ (સાથી રાષ્ટ્રો) વન ચાયના પ્રિન્સિપલનો એક તરફથી સ્વીકાર કરે છે. તો બીજી તરફ તાઈવાનને શસ્ત્રાસ્ત્રી આપે છે. અઢળક નાણાકીય સહાય પણ કરે છે. જ્યારે તાઈવાન મુદ્દે તો રશિયાનો અભિગમ હંમેશાં એક સરખો જ રહ્યો છે. તે વન-ચાઈના પોલિસીને જ અનુસરે છે. તે તાઈવાનને ચીનનો જ એક પ્રાંત ગણે છે.
ઉલ્લેખનીય છે કે ચીનના પ્રમુખ શી જિનપિંગે તો વારંવાર કહ્યું છે કે તાઈવાન ચીનનો જ એક પ્રાંત છે. આ સપ્તાહે માત્ર આપેલાં એક પ્રવચનમાં તેઓએ આ પ્રમાણે કહ્યું હતું.
તાઈવાન ચીનના તે દાવાને સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય ગણે છે, અને સ્પષ્ટત: કહે છે કે શુદ્ધ લોકશાહીને વરેલો અમારો દેશ કદીયે તળભૂમિના ચીનનો ભાગ હતો જ નહીં, અમે સ્વતંત્ર હતા, છીએ અને રહેશું પણ ખરા.
૧ ઓક્ટોબર ૧૯૪૯ના દિને માઓ ત્સે તુએ બૈજિંગ ઉપર સામ્યવાદી શાસન સ્થાપ્યું ત્યારે ચીનના ક્રાંતિકારી નેતા ડૉ. સોન યાન સેન તેઓના સાઢુભાઈ જેઓ ડૉ. સેનના લેફ્ટેનન્ટ હતા તેવો તળભૂમિપરથી તે સમયે ફોર્મોસા કહેવાતાં આ ટાપુ પર પહોંચ્યા અને ત્યાં લોકશાહી સરકાર સ્થાપી. વાસ્તવમાં ૧૮૯૬થી આ ટાપુરાષ્ટ્ર સ્વતંત્ર જ રહ્યું છે. તે સમયે તો ચીનમાં રાજા શાહી હતી. છેલ્લા સમ્રાટનાં શાસનમાંથી જ ફોર્મોસા સ્વતંત્ર થઇ ગયું હતું. અને પોતાને તાઈવાન તરીકે જાહેર કરી સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું.
૩૦ વર્ષથી એક પેઢી તેવી સરેરાશ મુકીએ તો અત્યારે એ પછી તાઈવાનમાં પાંચમી પેઢી (સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી) ચાલે છે. તેઓને પોતે હાન વંશીય હોવા છતાં ચીનની તળભૂમિ સાથે કોઈ લગાવ રહ્યો જ ન હોય. છતાં ૧૯૪૯માં માઓ ત્સે તુંગ જે ન કરી શક્યા (તાઈવાન પરનો કબ્જો) પોતે કરી શક્યા છે તેમ કરી શી જીનપિંગ પોતાને ઇતિહાસમાં અમર બનાવા માગે છે.
બીજી તરફ અમેરિકા સચેત બની ગયું છે. જો તાઈવાન ચીનના હાથમાં જાય તો પેસિફિક મહાસાગર સુધી તે સરળતાથી પહોંચી શકે. કારણ કે જાપાન અને ફીલીપાઈન્સ વચ્ચેનો ૬૦૦ કી.મી.નો ગેપ છે. જેમાં પ્રવેશતાં તાઈવાન જ રોકવા માટેની ઢાલ છે. માટે અમેરિકા તેને અઢળક સહાય કરે છે. તો બીજી તરફ પેસિફિક ઉપર ચીનની દાઢ ડળકી છે. તેથી તે તાઈવાન લઇ લેવા માગે છે. વિશ્વ અત્યારે મધ્ય પૂર્વમાં વ્યસ્ત છે ત્યારે ચીન પૂર્વમાં ભડકો કરે તેવી ભીતિ સેવાઈ રહી છે.