રશિયાની શેતાન-2 મિસાઈલનું સુરસુરિયું, લૉન્ચ થતા જ વિસ્ફોટ, પુતિનને આવ્યો ગુસ્સો
Russia Satan-2 Missile : રશિયાની સૌથી ભયાનક અને વિનાશકારી કહેવાતી શેતાન-2 મિસાઈલનું સુરસુરિયું થઈ ગયું છે. રશિયાએ તેને અજેય મિસાઈલ જાહેર કરી હતી. જોકે મિસાઈલ લૉન્ચ થાય તે પહેલા જ લોન્ચ પેડ પર વિસ્ફોટ થઈ ગયો છે. આ ઘટના બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પેસ એજન્સી રોસ્કોસમોસના પ્રમુખને બરખાસ્ત કરી દીધા છે. રશિયાએ અગાઉ દાવો કર્યો હતો કે, અમારા એર ડિફેન્સ ફોર્સને વિશ્વની સૌથી ઘાતક અને અત્યાધુનિક મિસાઈલ સિસ્ટમ અપાઈ છે. 208 ટનની હાઈપરસોનિક મિસાઈલ કોઈપણ ડિફેન્સ સિસ્ટમને અટકાવી શકે છે. આ મિસાઈલ 14 માળની બિલ્ડિંગ જેટલી છે અને તેની સ્પીડ પ્રતિ કલાક 25500 કિલોમીટર છે.
મિસાઈલ નિષ્ફળ જતા પુતિન નારાજ
રિપોર્ટ મુજબ આવા હથિયારો સતત નિષ્ફળ જતા પુતિન નિરાશ થયા છે. રશિયન સિક્યોરિટી સર્વિસ સાથે સંકળાયેલા એક ટેલીગ્રામ ચેનલ પર કહેવાયું છે કે, શેતાન-2 મિસાઈલ નિષ્ફળ જતા પુતિને 68 વર્ષના યૂરીને બરખાસ્ત કરી દીધું છે. તેમાં લખાયું છે કે, પુતિન શેતાન-2 મિસાઈલ સિસ્ટમનું નિરાશાજનક ઉત્પાદન તેમજ તેની નિષ્ફળતાના કારણે નારાજ થયા છે. હજુ સુધી શેતાન-2 મિસાઈલની ટેસ્ટિંગ પુરી થઈ નથી તેમજ તેનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન પણ થઈ શક્યું નથી.
રશિયાએ મિસાઈલ અંગેના મોટા દાવા ખોટા પડ્યા
રશિયન સંરક્ષણ મંત્રી સોયગૂએ આ મિસાઈલ સિસ્ટમની તાકાત અંગે ગત વર્ષે કહ્યું હતું કે, ‘તેના સંરક્ષણ સિસ્ટમમાં બે પ્રકારના ફેરફાર કરાયા છે, જેનાથી કોઈપણ પ્રકારના સ્ટેલ્થ ફાઈટર જેટ, હાઈપરસોનિક મિસાઈલ, અત્યાધુનિક હથિયાર અથવા અવકાશનાં સેટેલાઈટ્સને સરળતાથી ખાતમો કરી શકાશે. રશિયા આ સિસ્ટમથી સજ્જ 10 બટાલિયન તહેનાત કરવા માંગે છે. જો રશિયા આ મિસાઈલો સિસ્ટમ સરહદ પર તહેનાત કરશે તો તેના પર કોઈપણ પ્રકારનો હુમલો કરવો અસંભવ બની જશે.’
સેટેલાઈટ તસવીરમાં થયો ખુલાસો
આ મિસાઈલની ડેવલપમેન્ટ કામગીરી ગુપ્ત રાખવામાં આવી છે, જોકે મિસાઈલનું અનેક ટેસ્ટિંગ નિષ્ફળ ગયું હોવાના રિપોર્ટ લીક થયો છે. સેટેલાઈટની તસવીર સપ્ટેમ્બરમાં આવી હતી, જેમાં વિસ્ફોટ થવાના કારણે મોટો ખાડો પડી ગયો હોવાનું દેખાઈ રહ્યું છે. કહેવાય છે કે, આ ખાડો શેતાન-2 મિસાઈલના લોન્ચ પેડનો છે. રિપોર્ટ મુજબ ટેસ્ટિંગ ચોથી વખત નિષ્ફળ થયું છે. માત્ર વર્ષ 2022માં એક જ વાર મિસાઈલનું સફળ ટેસ્ટિંગ કરાયું હતું.
આ પણ વાંચો : હવે ટ્રમ્પનો ડોળો યુક્રેનના દુર્લભ ખનીજો પર, યુદ્ધમાં મદદ નહીં કરવાની ઝેલેન્સ્કીને ધમકી