VIDEO: રશિયાનો યુક્રેન પર મોટો હુમલો, 15 ઈમારતો પર ઝીંકી મિસાઈલ, બે બાળક સહિત 11 મોત
Russia Ukrain War: રશિયા છેલ્લા 24 કલાકમાં યુક્રેન પર એક-પછી-એક હુમલા કરી રહી છે. હાલમાં ક્લસ્ટર હથિયારોથી લેસ રશિયન બેલિસ્ટિક મિસાઈલ વડે ઉત્તરીય યુક્રેનના સુમી શહેરમાં મોટો હુમલો કર્યો છે. જેમાં બે બાળકો સહિત 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. 84થી વધુ લોકો ઘાયલ થયા છે. સત્તાધીશોએ બચાવ કામગીરી હાથ ધરી છે.
આ હુમલામાં બે શૈક્ષણિક સંસ્થાઓ સહિત કુલ 15 ઈમારતોને નુકસાન થયુ છે. યુક્રેનનું સુમી શહેર રશિયાથી માત્ર 40 કિમીના અંતરે આવેલું છે. ઉલ્લેખનીય છે કે, રશિયાએ છેલ્લા 24 કલાકમાં યુક્રેન પર 200થી વધુ મિસાઈલો વડે હુમલાઓ કર્યા છે. આ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે 1000 દિવસ પૂરા થયા છે.
અમેરિકાએ યુક્રેનને મદદ કરી
અમેરિકાએ યુક્રેનમાં તૈનાત ઉત્તર કોરિયાના સૈનિકો સામે લડવા પોતાનુ સૈન્ય યુક્રેન મોકલ્યુ છે. તેમજ લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવા પણ મંજૂરી આપે છે.અમેરિકાએ બીજી વખત યુક્રેનને રશિયાની અંદર જઈ હુમલો કરવા સક્ષમ હથિયારો ચલાવવા મંજૂરી આપી છે. બીજી તરફ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત હાંસલ કરતાં જ નિવેદન આપ્યું હતું કે, તે યુક્રેનને થોડી જમીન જતી કરવા રાજી કરશે, અને બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવશે.
બીજી તરફ રશિયાને સમર્થન આપતાં ઉત્તર કોરિયાએ 1 લાખ સૈનિકોને રશિયા મોકલ્યા છે. જેઓ યુક્રેન વિરૂદ્ધ લડાઈ લડશે. અગાઉ પણ 30 હજાર સૈનિકો રશિયામાં તૈનાત કર્યા હતા.