ટ્રમ્પનું રશિયા અંગે મોટું એલાન, G7 માંથી કાઢી નાખવાનો નિર્ણય ખોટો ગણાવ્યો, જાણો હવે શું કરશે?
US President Donald Trump Press Conference: અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને G-7 માંથી બહાર રાખવાના અમેરિકા અને તેના સાથી દેશોના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 'મને તેમને (રશિયા) G-7માં પાછા લાવવાનું ગમશે.' તેમણે દાવો કર્યો હતો કે જો રશિયા આ જૂથનો ભાગ હોત તો યુક્રેન યુદ્ધ થયું ન હોત.
'પુતિન શાંતિ ઇચ્છતા હતા'
વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'મારું માનવું છે કે જ્યારે મેં રશિયાના પ્રમુખ પુતિન સાથે વાત કરી હતી, ત્યારે તે શાંતિ ઇચ્છતા હતા. મને લાગે છે કે જો તે યુદ્ધનો અંત લાવવા માંગતો ન હોત તો તેમણે મને કહ્યું હોત. મને લાગે છે કે તે શાંતિ જોવા માંગે છે.'
'રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવવો જ જોઇએ'
રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'યુક્રેન યુદ્ધનો અંત આવવો જ જોઇએ. આ યુદ્ધમાં બીજા વિશ્વયુદ્ધ પછી ક્યારેય ન જોવા મળેલા મોટા પાયે યુવાનોના મૃત્યુ થયા છે. આ એક હાસ્યાસ્પદ યુદ્ધ છે અને તેનો અંત આવવો જ જોઈએ. રશિયાના પ્રમુખ પુતિન અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી સાથે મારી સારી વાતચીત થઈ. કોઈએ કહ્યું, મારે પહેલા ઝેલેન્સકીને ફોન કરવો જોઈતો હતો. પણ મને એવું નથી લાગતું. મને ખબર છે કે ઝેલેન્સકી સોદો કરવા માંગે છે, કારણ કે તેણે મને આમ કહ્યું હતું. પણ હવે મને ખબર છે કે રશિયા સોદો કરવા માંગે છે.'
આ પણ વાંચો: મણિપુરમાં સીઆરપીએફના જવાને બે સાથીઓની હત્યા કરી ખુદ આત્મહત્યા કરી, 8 ઈજાગ્રસ્ત
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'મને નથી લાગતું કે રશિયાની પરિસ્થિતિમાં કોઈ પણ દેશ તેમને નાટોમાં જોડાવાની મંજૂરી આપી શકે. મને એવું થતું દેખાતું નથી. મારું માનવું છે કે આ જ કારણ છે કે યુદ્ધ શરૂ થયું, કારણ કે પૂર્વ અમેરિકના પ્રમુખ જો બાઈડેને કહ્યું હતું કે યુક્રેન નાટોમાં જોડાઈ શકે છે અને તેમણે એવું ન કહેવું જોઈતું હતું. આ એક એવું યુદ્ધ છે જે જો ત્યારે હું પ્રમુખ હોત તો ક્યારેય ન થાત.'