મેક ઈન ઈન્ડિયા હેઠળ રશિયા આધુનિક હથિયારોના ઉત્પાદન માટે તૈયાર

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
મેક ઈન ઈન્ડિયા હેઠળ રશિયા આધુનિક હથિયારોના ઉત્પાદન માટે તૈયાર 1 - image


- વૈશ્વિક અશાંતિ છતાં ભારત સાથેના સંબંધોમાં 'સ્થિરતા' વડાપ્રધાન મોદીને રશિયા આવવા પુતિનનું આમંત્રણ

મોસ્કો : વૈશ્વિક સ્તરે વર્તમાન અશાંતિ છતાં એશિયામાં ભારત સાથે રશિયાના સંબંધોમાં 'સ્થિરતા' જળવાઈ રહી છે અને તે વધુ દ્રઢ બની રહ્યા છે તેમ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર સાથેની મુલાકાત સમયે જણાવ્યું હતું. વધુમાં રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ ભારત સાથે આધુનિક હથિયારોના ઉત્પાદન માટે તૈયારી દર્શાવી છે.

રશિયાના પાંચ દિવસના સત્તાવાર પ્રવાસે આવેલા વિદેશ મંત્રી જયશંકરે રશિયા સાથેના સંબંધોની ફરી એક વખત પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રશિયા ભારતનું એક મૂલ્યવાન ભાગીદાર છે. બીજીબાજુ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને વડાપ્રધાન નેરન્દ્ર મોદીને આગામી લોકસભા ચૂંટણીમાં વિજયની શુભેચ્છા પાઠવતા રશિયા આવવાનું પણ આમંત્રણ આપ્યું છે.

વિદેશ મંત્રી જયશંકરે રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિનમાં પ્રમુખ પુતિન સાથે મુલાકાત કરી હતી. આ સમયે પુતિને જયશંકરને કહ્યું હતું કે, અમને અમારા મિત્ર વડાપ્રધાન મોદીને રશિયામાં જોઈને આનંદ થશે. પુતિન સાથેની મુલાકાત પહેલાં જયશંકરે રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવ સાથે મુલાકાત કરી હતી. જયશંકરે કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી અને રશિયન પ્રમુખ પુતિન આગામી વર્ષે વાર્ષિક શિખર સંમેલનમાં મળશે. વધુમાં પુતિન અને મોદી સતત સંપર્કમાં રહ્યા છે.

જયશંકરે એક્સ પોસ્ટ પર કહ્યું કે, આજે સાંજે પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી તેમને શુભેચ્છા પાઠવી અને એક અંગત સંદેશ આપ્યો. પ્રમુખ પુતિનને નાયબ વડાપ્રધાન ડેનિસ મંતુરોવ અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથેની મારી ચર્ચાઓની માહિતી આપી. બંને દેશોના સંબંધોને આગળ વધારવા પર તેમના માર્ગદર્શનની પ્રશંસા કરી.

જયશંકરે રશિયન વિદેશ મંત્રી લાવરોવ સાથે 'સાર્થક' બેઠક કરી અને આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને વર્તમાન મુદ્દાઓ પર વાતચીત કરી હતી. રશિયાના પાંચ દિવસના પ્રવાસે આવેલા જયશંકરે લાવરોવ સાથે હિન્દ-પ્રશાંત ક્ષેત્ર, યુક્રેન સંઘર્ષ, ગાઝાની સ્થિતિ, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા, બ્રિક્સ, શાંઘાઈ સહયોગ સંગઠન, જી-૨૦ અને સંયુક્ત રાષ્ટ્રના મુદ્દે પણ ચર્ચા કરી હતી.

તેમણે દ્વિપક્ષીય આર્થિક સહયોગ, ઊર્જા વેપાર, કનેક્ટિવિટી પ્રયત્નો, સૈન્ય ટેકનોલોજી સહયોગ અને બંને દેશોના લોકો વચ્ચે સંપર્કમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. લાવરોવે કહ્યું કે તેમણે સૈન્ય અને ટેક્નોલોજી સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી હતી, જેમાં આધુનિક હથિયારોના સંયુક્ત ઉત્પાદનનો સમાવેશ થાય છે. મોસ્કો મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ આધુનિક ઉત્પાદનો માટે તૈયાર છે.

દરમિયાન આગામી વર્ષે ભારતમાં લોકસભા ચૂંટણીની ભલે હજુ જાહેરાત નથી થઈ, પરંતુ રશિયન પ્રમુખ પુતિને પીએમ મોદીને વિજયની શુભેચ્છા પાઠવી છે. પુતિને કહ્યું હતું કે, ભારતમાં રાજકીય તાકતોનું ગઠબંધન કોઈપણ હોય પરંતુ નવી દિલ્હી અને મોસ્કો વચ્ચે પારંપરિક મૈત્રીપૂર્ણ સંબંધો જળવાઈ રહેશે.


Google NewsGoogle News