રશિયાની Meta પર મોટી કાર્યવાહી, પ્રવક્તાને નાખ્યા વોન્ટેડ લિસ્ટમાં, જાણો સંપૂર્ણ મામલો
રશિયાના ગૃહ મંત્રાલયે મેટાના પ્રવક્તા એન્ટી સ્ટોન વિરુદ્ધ ગુનાહિત તપાસ શરૂ કરી
યુદ્ધ શરૂ થયા બાદ રશિયાએ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લગાવી દીધો હતો
મોસ્કો, તા.26 નવેમ્બર-2023, રવિવાર
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા (Russia-Ukraine War)એ મેટા સામે મોટી કાર્યવાહી કરી છે. રશિયાએ મેટા (Meta)ના પ્રવક્તા એન્ડી સ્ટોન (Antti Stone)ને વોન્ટેડ યાદીમાં નાખી દીધા છે. TASS સમાચાર એજન્સીએ આજે આ જાણકાર માહિતી આપી છે.
એન્ટી સ્ટોન વિરુદ્ધ તપાસ શરૂ
TASSના જણાવ્યા મુજબ રશિયાના ગૃહ મંત્રાલયે એન્ટી સ્ટોન વિરુદ્ધ ગુનાહિત તપાસ શરૂ કરી દીધી છે. જોકે તેની પાસે તપાસ અથવા આરોપો અંગે વધુ માહિતી નથી. ઉલ્લેખનિય છે કે, રશિયાએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં યૂક્રેન પર આક્રમણ બાદ તુરંત મેટાના મુખ્ય સોશિયલ પ્લેટફોર્મ ફેસબુક (Facebook) અને ઈન્સ્ટાગ્રામ (Instagram) બંને પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
સ્ટોન પર ઉગ્રવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ
રશિયાની તપાસ સમિતિએ માર્ચ-2022માં કહ્યું હતું કે, તેણે મેટાના કર્મચારીઓના ગેરકાયદેસર કાર્યો વિરુદ્ધ ગુનાહિત તપાસ શરૂ કરી દીધી છે. સમિતિએ કહ્યું કે, સ્ટોને પોતાના પ્લેટફોર્મો પર રશિયન સેના વિરુદ્ધ હિંસાના આહવાન પર લગાયેલા પ્રતિબંધને હટાવી દીધા હતા, તેઓ ઉગ્રવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા હતા.