અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનશે? રશિયાના પ્રમુખ પુતિને કરી મોટી ભવિષ્યવાણી, દિગ્ગજો ટેન્શનમાં
US Presidential Elections 2024: અમેરિકામાં જાહેર ચર્ચામાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રમુખ જો બાઈડેને હરાવ્યા હોવા છતાં, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનની પસંદગી બાઈડેન માટે જ રહી છે. પુતિને અગાઉ પણ ઘણી વખત બાઈડેનને પ્રમુખ તરીકે યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરી ચૂક્યા છે.
ટ્રમ્પ અંગે પુતિનનું શું કહેવું છે?
અહેવાલો અનુસાર, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન કહેવું છે કે, 'જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બનશે. તેઓ યુક્રેન યુદ્ધને ખતમ કરવા માટે ગંભીર હશે. પરંતુ તે આ કેવી રીતે કરશે તે જાણી શકાયું નથી. માત્ર ચર્ચામાં પાછળ રહેવાથી બાઈડેનની ઉમેદવારી માટે કંઈ થશે નહીં. કંઈ બદલાયું નથી. બાઈડેન અંગેના મારા વિચાર બદલાયા નથી.'
આ પણ વાંચો: ઋષિ સુનકના કારમા પરાજયના સંકેત વચ્ચે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત
વ્લાદિમિર પુતિને જણાવ્યું હતું કે, 'હું જાણું છું કે, અમેરિકામાં શું થશે. અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાતચીત હવે ત્યાં યોજાયેલી ચૂંટણી પછી જ શક્ય છે. હું નવેમ્બરની રાહ જોઈ રહ્યો છું. ચૂંટણીના પરિણામો આવ્યા પછી એ જોવામાં આવશે કે ચૂંટાયેલા પ્રમુખ રશિયા વિશે શું વિચારે છે.'
'યુક્રેને તેના વિચારો બદલવા પડશે'
યુક્રેનને લઈને પુતિને જણાવ્યું હતું કે, 'રશિયા યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરવાની સ્થિતિમાં નથી. જ્યાં સુધી યુક્રેન તેના વિચારોમાં ફેરફાર નહીં કરે ત્યાં સુધી તે સ્થિતિ ઊભી થશે નહીં. યુક્રેને નાટોમાં જોડાવાની તેની ઈચ્છા છોડી દેવી જોઈએ. આ ઉપરાંત યુક્રેનને રશિયા દ્વારા જીતી લીધેલા ચાર પ્રદેશોના ભાગો પર પોતાનો દાવો છોડવો પડશે.'