પુતિનના પ્રખર ટીકાકાર અને વિરોધ પક્ષના નેતા એલેકસી નવલની રશિયાની જેલમાંથી ગાયબ
image : Twitter
મોસ્કો,તા.12 ડિસેમ્બર,મંગળવાર
રશિયન રાષ્ટ્રપતિના પ્રખર ટીકાકાર અને વિપક્ષી નેતા એલેક્સી નવલની જેલમાંથી ગાયબ થઈ ગયા હોવાની ખબરે રશિયામાં ખળભળાટ મચાવ્યો છે.
એલેક્સીના પ્રવક્તાના કહેવા પ્રમાણે અમારા વકીલોએ એક સપ્તાહથી તેમનો અવાજ પણ સાંભળ્યો નથી. કેદીઓના લિસ્ટમાં પણ તેમનુ નામ નથી.
એલેક્સીને કટ્ટરપંથી સમુદાય ઉભો કરવા બદલ અને તેને સમર્થન આપવા સહિતના ગુનાઓમાં રશિયન કોર્ટે દોષી ઠેરવ્યા હતા. બે મહિના પહેલા જ તેમને 19 વર્ષની કેદની સજાનો ચુકાદો આપ્યો હતો.
હવે તેમના પ્રવક્તા કિરા યર્મિશે આરોપ લગાવ્યો છે કે, વારંવાર પ્રયાસ રકવા છતા એલેક્સીના વકીલ જેલમાં તેમને મળી શક્યા નથી અને હવે તેમને કહેવામાં આવ્યુ છે કે, એલેક્સી જેલમાં નથી.
સોશિયલ મીડિયા પર કિરા યર્મિશે કહ્યુ હતુ કે, વકીલોને કહેવામાં આવ્યુ છે કે, કેદીઓના લિસ્ટમાં એલેક્સી નવલનીનુ નામ નથી. તેમના વકીલ તેમને જે જેલમાં કેદ રખાયા હતા ત્યાં મળવા માટે ગયા ત્યારે કહેવામાં આવ્યુ હતુ કે , એલેક્સી હવે આ જેલમાં નથી અને હવે તે ક્યાં છે તેની પણ જેલ સત્તાધીશોને ખબર નથી. એલેક્સી છ દિવસથી લાપતા છે અને રશિયાની સરકાર એ પણ કહેવા માટે તૈયાર નથી કે, એલેક્સીને ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
દરમિયાન રશિયાના એક અખબારે પ્રગટ કરેલા અહેવાલ નુસાર નવલનીને જેલમાં સ્વાસ્થ્યને લગતી ગંભીર તકલીફો ઉભી થઈ છે.
એલેક્સી પર પહેલા જ છેતરપિંડી અને બીજા આરોપો બદલ ચાલેલા કેસમાં 11 વર્ષની કેદની સજા થઈ ચુકી છે. જોકે એલેક્સીના સમર્થકોનો આરોપ છે કે, પુતિનના ટીકાકાર હોવાના કારણે તેમને જેલમાં નાંખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 2021માં રશિયા પાછા ફરેલા એલેક્સીને તેમની સામેના છેતરપિંડીના એક કેસમાં તરત જ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એલેક્સીએ રશિયામાં યુક્રેન યુધ્ધ વિરુધ્ધ ભિયાન પણ ચલાવ્યુ હતુ અને યુધ્ધના વિરોધમાં જાહેરમાં લોકોને સંગઠિત કરવાના પ્રયાસો કર્યા હતા.
આ પહેલા 2017માં પણ તેમના પર જીવલેણ હુમલો થયો હતો. તેમના પર લાગેલા છેતરપિંડીના આરોપોના કારણે 2018માં તેઓ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પણ લડી શક્યા નહોતા. એલેક્સીએ સરકારના કાવતરાને આ માટે જવાબાદર ગણાવ્યુ હતુ.
એલેક્સીને 2020માં ઝેર આપીને મારવાની કોશીશ પણ થઈ હતી. ફ્લાઈટમાં તે બેહોશ મળ્યા હતા અને તેના કારણે ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. એ પછી તેઓ ઘણા દિવસો સુધી કોમમાં રહ્યા હતા.