'હવે અમારો વારો...'રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે
Russia President Will Visit India Soon: રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત કરવાના છે. ગતવર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુતિનની મુલાકાત કરવા રશિયા ગયા હતા. આ વર્ષે રશિયાના રાષ્ટ્રપ્રમુખ ભારત આવવાના હોવાની જાણ રશિયાના સત્તાધીશોએ કરી છે.
2022માં યુક્રેન સામે યુદ્ધ છેડાયા બાદ રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનની આ પ્રથમ ભારત મુલાકાત છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે, પુતિનની ભારત યાત્રા માટે તૈયારીઓ ચાલી રહી છે. હાલ તારીખ નિશ્ચિત થઈ નથી. રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતીય સરકારના વડાપ્રધાન તરફથી ભારત યાત્રાનું નિમંત્રણ સ્વીકાર્યું છે.
લાવરોવે આગળ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ પોતાની પહેલી વિદેશ યાત્રામાં રશિયાની પસંદગી કરી હતી. હવે અમારો વારો છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને વેગ આપવા મુદ્દે ચર્ચા થઈ શકે છે. ગત મુલાકાતમાં બંને નેતાઓએ વાર્ષિક 100 અબજ ડોલરના વેપાર કરવા પર સહમતિ દર્શાવી હતી.
રાષ્ટ્રપ્રમુખ મૂર્મુએ ભારત-રશિયા સંબંધો પર ભાર મૂક્યો
થોડા સમય પહેલાં જ રાષ્ટ્રપ્રમુખ દ્રોપદી મૂર્મુએ રાષ્ટ્રપ્રમુખ પુતિનને સંદેશ મોકલ્યો હતો કે, રશિયા-ભારતના સંબંધો ખાસ છે. વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે. મને વિશ્વાસ છે કે, આપણે સંયુક્ત પ્રયાસોના માધ્યમથી તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર સ્થાપિત કરીશું તેમજ આંતરરાષ્ટ્રીય બાબતોમાં સહભાગી થશે.