પુતિન-જિનપિંગની મુલાકાત પર કેમ છે દુનિયાની નજર?, સમજો બે હોડી પર સવાર ચીન માટે રશિયા કેવી રીતે બન્યું મજબૂરી
Russia President Vladimir Putin And China President Xi Jinping : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ફરી મુલાકાત થવાની છે. જિનપિંગે આમંત્રણ આપ્યા બાદ પુતિન 16 અને 17 મેએ ચીન જવાના છે. પુતિન અગાઉ ઓક્ટોબર-2023માં ચીનમાં બે દિવસ રોકાયા હતા. પાંચમી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમની આ પ્રથમ વિદેશ મુલાકાત છે. આ ઉપરાંત પુતિન-જિંનપિંગની મુલાકાત વિશ્વભરની નજર છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને નેતાઓ આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
પુતિન ચીન કેમ જઈ રહ્યા છે?
રશિયા અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠે પુતિન જિનપિંગના મહેમાન બનવાના છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે, બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો, અરસપરસ ભાગીદારી અને આંતરરાષ્ટ્રી-ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. પુતિને વર્ષ 2022માં યુક્રેન સાથે યુદ્ધ થયા પહેલા ચીનની મુલાકાત કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિને (Kremlin) કહ્યું કે, બંને નેતાઓ વ્યાપક ભાગીદારી અને વ્યૂહાત્મક સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. બંને નેતાઓ વચ્ચે ચર્ચા થયા બાદ સંયુક્ત નિવેદન જારી કરાશે અને અનેક દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર કરાશે. પુતિન ચીનના વડાપ્રધાન લી કિઆંગ (Li Qiang) સાથે પણ મુલાકાત કરશે. તેઓ બેઇજિંગ (Beijing) ઉપરાંત હાર્બિન શહેરની પણ મુલાકાત લેશે.
પુતિનને શું જોઈએ?
જિનપિંગે તાજેતરમાં જ ફ્રાન્સ (France), સર્બિયા (Serbia) અને હંગેરી (Hungary)ની યાત્રા કરી હતી અને હવે તેઓ રશિયાના રાષ્ટ્રપતિને મળવાના છે. યાત્રા દરમિયાન જિનપિંગે રશિયાને હથિયારો વેચવા યૂરોપિયન યુનિયન કમિશનના વડા ઉર્સુલા વૉન ડેર લેયેનને વચન આપ્યું હતું. જિનપિંગ સાથેની મુલાકાતમાં પુતિનનો સૌથી મોટો એજન્ટો ‘પાવર ઑફ સાઈબેરિયા 2’ પાઈપલાઈન પ્રોજેક્ટ સાથે સંકળાયેલી ડીલનો છે. આ પ્રોજેક્ટ હેઠળ ઉત્તર રશિયાથી ચીન સુધી નેચરલ ગેસની સપ્લાય થશે. બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી હજુ સુધી અધુરી છે. આ ઉપરાંત પુતિન ઈચ્છે છે કે, યૂક્રેન યુદ્ધના કારણે રશિયાની અર્થવ્યવસ્થાને જે નુકસાન થયું છે, તેની ચીન પાસેથી ભરપાઈ થઈ જશે. આમ તો રશિયા-ચીન વચ્ચે ઘણા વર્ષોથી કારોબાર વધ્યો છે, પરંતુ પુતિન તેને વધુ વધારવા માંગે છે.
ચીને પડદા પાછળની રમત રમી રશિયાને આપ્યો સાથ, યુક્રેનને કરાવ્યું નુકસાન
શિન્હુઆને આપેલા ઈન્ટરવ્યુમાં પુતિને રશિયા અને ચીન વચ્ચેના આર્થિક સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક પડકારો છતાં રશિયા-ચીન સંબંધો અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. પુતિન ઈચ્છે છે કે, ચીને યૂક્રેન યુદ્ધ (Russia-Ukraine War)માં જે રીતે અમને સાથ આપી રહ્યો છે, તે યથાવત્ રહે. આ મામલે ચીને જાહેરમાં રશિયાને સાથ આપ્યો નથી, પરંતુ પડદા પાછળ સમર્થન કરી રહ્યો છે. ચીન જાહેરમાં હથિયારોનું વેચાણ કરતો નથી, પરંતુ કથિત રીતે રશિયાને એવા મશીનો અને ટુલ્સ આપી રહ્યો છે, જેનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં થઈ રહ્યો છે. પુતિન એવું પણ ઈચ્છી રહ્યા છે કે, જિનપિંગ પશ્ચિમ દેશોના દબાણમાં ન આવે અને રશિયાને પાક્કો મિત્ર બનેલો રહે. જિનપિંગે ત્રણેય દેશોની યાત્રામાં રશિયાને હથિયારો વેચવાનું વચન આપ્યું છે.
જિનપિંગમાં મનમાં શું છે?
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાલમાં બે હોડીમાં સવાર છે. એક તરફ તે રશિયા સાથે મિત્રતા જાળવી રાખવા માંગે છે તો બીજી તરફ તે પશ્ચિમી દેશો સાથે પણ પોતાના સંબંધો સ્થિર રાખવા માંગે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ચીન અને અમેરિકા (America) વચ્ચેના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી બગડ્યા હતા અને હવે તેઓ ફરી પાટા પર પાછા આવી રહ્યા છે. યુરોપિયન દેશો સાથેના સંબંધો પણ સુધરી રહ્યા છે. તાજેતરમાં જ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે (German Chancellor Olaf Scholz) પણ ચીનની મુલાકાત લીધી હતી.
અમેરિકાના કારણે ચીનની અર્થવ્યવસ્થાને ફટકો
ચીને યુક્રેન યુદ્ધમાં પડદા પાછળથી રશિયાને સાથ આપતા અમેરિકાએ ચીનની ઘણી કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત રશિયા સાથે કારોબાર (Russia-China Trade) કરનારી ચીનની કંપનીઓને પણ બ્લેકલિસ્ટ કરવાની ધમકી આપી છે. અમેરિકાના પગલાંથી ચીનના અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે. કદાચ આ જ કારણે જિનપિંગે યૂરોપીય દેશોની યાત્રા કરી રશિયાને હથિયાર વેચવાનું વચન આપ્યું છે.
...તો જિનપિંગ રશિયાને પસંદ કરશે
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે જો જિનપિંગને કોઈ એકને પસંદ કરવાની તક મળશે તો તેઓ રશિયાને પસંદ કરશે. કારણ કે જિનપિંગ ભલે પશ્ચિમ સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પરંતુ તેઓ તેને પોતાનો સૌથી મોટો પ્રતિસ્પર્ધી માને છે. પશ્ચિમનો સામનો કરવા માટે જિનપિંગને પુતિનની જરૂર છે. એટલું જ નહીં, તાઈવાન અને સાઉથ ચાઈના સી મામલે પણ ચીનને રશિયાનો સાથ મળી રહ્યો છે. અમેરિકા અને યૂરોપીય દેશ તાઈવાનનો સાથ આપી રહ્યા છે, તો આ મામલે રશિયા ચીનના પક્ષમાં છે. તાજેતરમાં જ રશિયા અને ચીને તાઈવાન (Taiwan) પર દબાણ વધારવા માટે ઈસ્ટ ચાઈના સીમાં લશ્કરી કવાયત વધારી છે. આ ઉપરાંત અમેરિકા અને પશ્ચિમ દેશો પણ ચીનને ક્યારે પોતાનો રાજદ્વારી ભાગીદાર નહીં માને, કારણ કે, ચીન હંમેશા ખતરો અથવા દુશ્મન જ રહેશે.
પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વભરની કેમ નજર ?
એકતરફ ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ (Israel-Hamas War) ચાલી રહ્યું છે, યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધને પણ લાંબો સમય થઈ ગયો છે, આ કારણે વિશ્વભરમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે, ત્યારે બીજીતરફ પુતિન અને જિનપિંગ વચ્ચે મુલાકાત થવાની છે. આ મુલાકાત એવા સમયે પણ થઈ રહી છે જ્યારે પુતિન-જિનપિંગ બંને અમેરિકા વિરોધી ઈરાન (Iran) અને ઉત્તર કોરિયા (North Korea)ની સાથે મળીને કામ કરી રહ્યા છે. ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ચીન પર નિર્ભર છે. જ્યારે અમેરિકાનો આક્ષેપ છે કે, ચીન અને રશિયા ઈરાનને આર્થિક રીતે મજબૂત કરી રહ્યા છે.
સરમુખત્યારશાહી શક્તિઓ એક થઈ રહી છે : NATO
તાજેતરમાં જ NATO ચીફ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું હતું કે, ‘આપણે ખૂબ જ ખતરનાક દુનિયામાં જીવી રહ્યા છીએ. સરમુખત્યારશાહી શક્તિઓ એક થઈ રહી છે. રશિયાને યુદ્ધ માટે ચીન, ઈરાન અને ઉત્તર કોરિયાનું સમર્થન મળી રહ્યું છે. આ લોકો બતાવી રહ્યા છે કે, સુરક્ષા માત્ર ક્ષેત્ર સુધી સીમિત રહી નથી, હવે તે વૈશ્વિક બની ગઈ છે. તેથી જ સુરક્ષા જાળવવા માટે વિશ્વભરના સમાન વિચારધારા ધરાવતા ભાગીદારો સાથે મળીને કામ કરવાની જરૂર છે.’ આ જ કારણે પુતિન અને જિનપિંગની મુલાકાત પર વિશ્વભરની નજર છે.