Get The App

રશિયાએ ફરી યૂક્રેન પર કર્યો મિસાઈલ હુમલો, ગર્ભવતી મહિલા સહિત 10 લોકોના મોત, 25 ઈજાગ્રસ્ત

Updated: May 19th, 2024


Google NewsGoogle News
રશિયાએ ફરી યૂક્રેન પર કર્યો મિસાઈલ હુમલો, ગર્ભવતી મહિલા સહિત 10 લોકોના મોત, 25 ઈજાગ્રસ્ત 1 - image


Russia Attack : રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે રવિવારે રશિયાએ ફરી એકવાર યૂક્રેન પર હુમલો કરી દીધો. હુમલામાં 10 લોકોના મોત થયા છે. યૂક્રેન શહેર ખાર્કિવના મેયર ઇહોર તેરેખોવે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, બે રશિયન મિસાઇલોએ એક રિસોર્ટ પર હુમલો કર્યો. અહીં લોકો આરામ કરી રહ્યા હતા. દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ છે.

15-20 મિનિટમાં થયા બે વિસ્ફોટ

સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, ખાર્કિવના બહારના વિસ્તારમાં એક રિસોર્ટ પર હુમલો થયો, જેમાં પાંચ લોકો માર્યા ગયા અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા. જ્યારે બીજો હુમલો કુપિયાંસ્ક જિલ્લાના બે ગામમાં થયો. જેમાં પાંચ લોકોના મોત થયા અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા. રશિયાએ 15-20 મિનિટમાં બે વિસ્ફોટ કર્યા. હુમલા દરમિયાન રિસોર્ટની સામે રહેતી એક મહિલા વેલેન્ટીની ઘર પર હતી. તેના ચહેરા પર લોહી હતું. રડતા રડતા તેમણે જણાવ્યું કે વિસ્ફોટમાં તેમના પતિનું મોત થઈ ગયું. મહિલાએ રડતા કહ્યું કે, રશિયા જાનવર છે. નિર્દોષ લોકો પર શા માટે હુમલા કરી રહ્યું છે.

દુનિયા આતંકને રોકી શકે છે : યૂક્રેનના રાષ્ટ્રપતિ

રવિવારના હુમલા બાદ રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેન્સ્કીએ કહ્યું કે, દુનિયા રશિયા આતંકને રોકી શકે છે. એવું કરવા માટે નેતાઓ વચ્ચે રાજનીતિક ઈચ્છાશક્તિની કમી દૂર કરવી પડશે. એક પોલીસ અધિકારી યારોસ્લાવ ટ્રોફિમકોએ જણાવ્યું કે, અહીં કોઈ પણ સૈનિક ન હતો. અહીં લોકો આરામ કરવા આવે છે. અહીં બાળકો હતા. મહિલાઓ હતી. તમામ સામાન્ય લોકો હતા, જે રજાની મજા લઈ રહ્યા હતા.

રશિયા-યૂક્રેનનું યુદ્ધ કેવી રીતે શરૂ થયું?

23 ફેબ્રુઆરી 2022ની રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યૂક્રેન સામે સૈન્ય ઓપરેશનનું એલાન કર્યું. થોડી કલાકો બાદ 24 ફેબ્રુઆરીએ વહેલી સવારે અચાનક યૂક્રેનની રાજધાની કીવ અને આસપાસના શહેરો પર હવાઈ હુમલા થવા લાગ્યા. રશિયાના આ હુમલાને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો. તો બીજી તરફ યૂક્રેને પણ જવાબી કાર્યવાહી શરૂ કરી.

યુદ્ધ શરૂ થવાની સાથે જ દુનિયા બે ભાગોમાં વહેંચાઈ ગઈ. યૂક્રેનનો સાથ આપવા માટે નાટો સભ્ય દેશ આગળ આવ્યા તો અમેરિકા, બ્રિટન, પોલેન્ડ, ફ્રાંસ સહિતના કેટલાક દેશોએ યુદ્ધથી બહાર રહેતા તેને મદદ પહોંચાડવાની શરૂ કરી. બીજી તરફ ચીન, દક્ષિણ કોરિયા, ઈરાન જેવા દેશ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે રશિયા સાથે ઉભા છે. જોકે ભારતે કોઈનો પણ પક્ષ ન લીધો. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારત સાર્વજનિક રીતે આ યુદ્ધ પૂર્ણ થાય તે માટે પ્રતિબદ્ધ છે.


Google NewsGoogle News