પુતિને લીધો બદલો! યુક્રેને 3000 સૈનિકો ઠાર કર્યાના દાવા બાદ 100 ડ્રોન-70 મિસાઈલો ઝીંકી
Russia vs Ukrain War Updates | રશિયાએ ક્રિસમસના દિવસે પણ યુક્રેનને છોડયું નથી. તેણે 100 ડ્રોન અને 70 મિસાઇલ સાથે યુક્રેન પર ભીષણ હુમલો કર્યો હતો. તેણે યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચરને લક્ષ્યાંક બનાવતા તેના થર્મલ પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. આમ યુક્રેનિયનોએ ક્રિસમસના દિવસે તેમના ઘર છોડીને મેટ્રો સ્ટેશનોમાં આશરો લેવાની ફરજ પડી હતી. યુક્રેને 59 મિસાઇલ અને 54 ડ્રોન આંતર્યાનો દાવો કર્યો હતો.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે અમે નોર્થ કોરીયના ત્રણ હજારથી વધારે સૈનિકોને મારી નાખ્યા છે. તેના આ દાવાએ ચકચાર મચાવી દીધી છે. જો કે આ આંકડો અત્યાર સુધીમાં માર્યા ગયેલા નોર્થ કોરીયન સૈનિકોનો મનાય છે. નોર્થ કોરીયાએ રશિયા વતી યુદ્ધ લડવા તેના 12 હજાર સૈનિકોને મોકલ્યા હતા. તે જોતા આ આંકડો ઘણો મોટો કહી શકાય.
ઝેલેન્સ્કીએ રશિયાના નોર્થ કોરીયા સાથેના વધતા જતા સહયોગ અને નોર્થ કોરીયા હજી વધુ સૈનિકો અને શસ્ત્રો રશિયાને પૂરા પાડવાનું છે તે જોતાં આ અંગે કશુ કરી ન શકનારા વિશ્વની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યુરોપ અને અમેરિકા સહિતનું વિશ્વ નોર્થ કોરિયાને દંડિત કરવામાં નિષ્ફલ ગયું છે. ઝેલેન્સ્કીએ સાઉથ કોરીયાને ટાંકીને જણાવ્યું હતું કે નોર્થ કોરીયા વધુને વધુ લશ્કરી કુમકો અને શસ્ત્રો રશિયાના લશ્કરને મોકલવા માટેની તૈયારી કરી રહ્યું છે. આ શસ્ત્રોમાં સ્યુસાઇડ ડ્રોનનો પણ સમાવેશ થાય છે.
રશિયાએ યુક્રેનના ખારકિવ, દનિપ્રો વિસ્તારમાં વીજ ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલા કર્યા હતા. ખારકીવના ગવર્નરે જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોને મૂળભૂત સગવડોથી વંચિત રાખવાના ભાગરુપે રશિયા યુક્રેનના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર આકરા પ્રહારો કરી રહ્યુ છે. યુક્રેનનું ખમીર તોડવાના રશિયાના આ પ્રકારના પ્રયત્નોને અમે સફળ નહીં થવા દઈએ. અમે અમારી વીજલાઇન ઝડપથી રિપેર કરી શકીશું. યુક્રેનની એરફોર્સે જણાવ્યું હતું કે ખારકીવ, દનિપ્રો અને પોલ્ટાવા વિસ્તારમાં રશિયાએ ડ્રોન અને મિસાઇલો વડે હુમલો કર્યો હતો, તેઓ યુક્રેનના અંધકારની ગર્તામાં ધકેલી દેવા માંગે છે, પરંતુ અમારી વીજ કંપનીઓમાં હુમલામાંથી ત્વરિત બેઠા થઈ જવાની ક્ષમતા છે. પુતિને જાણીબૂઝીને ક્રિસમસનો દિવસ હુમલા માટે પસંદ કર્યો, તેનાથી વધારે ક્રૂર કોણ હોઈ શકે.
તેમણે જણાવ્યું હતું કે પુતિને સામાન્ય પ્રજાને પીડવામાં કોઈ કસર બાકી રાખી નથી. તે આ પ્રકારના હુમલા દ્વારા ખારકિવના પાંચ લાખ લોકો રીતસરની ગાત્રો થીજાવતી ઠંડીમાં હીટર જેવા સાધનો વગર જીવે તેમ ઇચ્છે છે. અમે પણ હવે તેની સાથે આ જ કરવા માંગીએ છીએ.