રશિયાએ પહેલીવાર યુક્રેન પર ICBM મિસાઇલથી કર્યો હુમલો: કીવના દાવા બાદ યુદ્ધમાં વધ્યો તણાવ
- શાંતિ- મંત્રણા કેમ થઈ શકે ?
- કાસ્પિયન સી ઉપરાંત આસ્ત્રાખાન ક્ષેત્રમાંથી મિગ- 310 K ફાઇટર-જેટ ઉપરથી આ મિસાઇલ છોડવામાં આવ્યું
કીવ : યુક્રેને આજે (ગુરૂવારે) આક્ષેપ કર્યો છે કે રશિયાએ પહેલી જ વાર 'ઇન્ટર કોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ'થી હુમલો કર્યો છે. આ બેલાસ્ટિક મિસાઇલ હજ્જારો માઇલ દૂર સુધી અચૂક પ્રહાર કરી શકે તેવાં હોય છે.
આ સાથે કીવે તેમ પણ કહ્યું છે કે, તે હુમલામાં બીજા અન્ય પ્રકારના મિસાઇલ્સ પણ હતા પરંતુ આ ઇન્ટર કોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલની પ્રહાર શક્તિ પ્રચંડ હોય છે. તે કાસ્પિયન સમુદ્રના તટ પાસેના આસ્ત્રાખાન ક્ષેત્રમાંથી તામ્બોલ વિસ્તારમાંથી ઉડાડેલા 'મિગ-૩૧ કે' નામક ફાઇટર જેટમાંથી છોડવામાં આવ્યું હતું.
બીજી તરફ રશિયન સેનાએ દાવો કર્યો છે કે તેણે બ્રિટનમાં નિર્મિત સ્ટોર્મ શેડો મિસાઇલ્સ જે યુક્રેનમાંથી રશિયા પર છોડવામાં આવ્યા હતા તેને ખત્મ કરી નાખ્યા છે પરંતુ રશિયન સેનાએ તે માહિતી આપી ન હતી કે એ મિસાઇલ્સ કયા વિસ્તારમાંથી અને કયા સમયે છોડવામાં આવ્યા હતા.
તે જે હોય તે પરંતુ આ ઘટનાક્રમ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે કે હવે યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવાની કે શાંતિ-મંત્રણાની પણ સંભાવના દૂર થઈ ગઈ છે. આ સંયોગોમાં શાંતિ- મંત્રણા કેમ થઈ શકે ?