એક જનરલની મોતનો પુતિને લીધો ઘાતક બદલો, યુક્રેનના 550 સૈનિકોને એકઝાટકે મારી નાખ્યાં
Russia vs Ukrain War Updates | પુતિનના વિશ્વસનીય જનરલોમાં એક ઇગોર કિરિલોવની હત્યાએ રશિયાને હચમચાવી નાખ્યું છે. કિરિલોવની હત્યાથી ભૂંરાટા થયેલા રશિયાએ એક જ દિવસમાં યુક્રેનના લગભગ 550 સૈનિકોનો કચ્ચરઘાણ કાઢ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં રશિયાએ યુક્રેનના લગભગ 550 સૈનિકોને મારી નાખ્યા છે. કેટલીય અમેરિકન-પોલિશ બખ્તરબંધ ગાડીઓ નષ્ટ કરી છે.
રશિયાની જેપડ (પશ્ચિમ) અને ત્સેન્દ્ર (કેન્દ્ર) સેનાએ યુક્રેનના 11 જવાબી હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. જેપડ ગ્રૂપ યુક્રેનના 440 સૈનિકોને ઠાર કર્યા હતા. જ્યારે યુગે (દક્ષિણ) ગ્રૂપે 350 સૈનિકોને માર્યા. આ ઉપરાંત ડોનેત્સ્ક ક્ષેત્રમાં ટ્રુડોવ અને સ્ટાર ટેની વિસ્તારોમાં રશિયાના લશ્કરનું નિયંત્રણ થઈ ગયું છે.
મંગળવારે મોસ્કોમાં કિરિલોવને એપાર્ટમેન્ટની બહાર ઉભા એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં છૂપાયેલા બોમ્બથી ઠાર કરાયા હતા. રશિયાની એજન્સીઓનું કહેવું છે કે આ હુમલો યુક્રેનની જાસૂસી સંસ્થાઓએ કરાવ્યો હતો. શંકાસ્પદ હુમલાખોર અને ઉઝબેકિસ્તાનના વતનીએ યુક્રેનની એજન્સીઓએ આ કામ માટે એક લાખ ડોલર અને યુરોપમાં સુરક્ષિત વસવાટનું વચન આપ્યું હતું. હુમલાખોરને મોસ્કોના એક ગામડામાંથી પકડવામાં આવ્યો હતો.
કિરિલોવની હત્યા પછી રશિયામાં હડકંપ મચી ગયો છે. રશિયા આ હુમલાને પોતાની પ્રતિષ્ઠા પર હુમલો માની એક મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. રશિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે કિરિલોવની હત્યાનો બદલો લેવામાં આવશે. યુક્રેનની જાસૂસી સંસ્થાઓની આ કાર્યવાહી રશિયા-યુક્રેન યુદ્ધને નવો વળાંક આપી શકે છે.