રશિયા સમાધાન માટે તૈયાર જ છે, પરંતુ યુક્રેને સત્તાવાર પ્રતિનિધિઓ મોકલવા જોઈએ
- પ્રમુખ પુતિન યુક્રેન-યુધ્ધ સંદર્ભે પત્રકારોને કહ્યું
- આ પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ફોન પરની વાતચીતમાં પ્રમુખ પુતિને સ્પષ્ટતા પણ કરી હતી કે કોઈ પણ પૂર્વ શરત વિના તેઓ ઝેલેન્સ્કી સાથે પણ મંત્રણા કરવા તૈયાર છે
મોસ્કો : પ્રમુખ વ્લાદીમીર પુતિને કહ્યું હતું કે, 'યુક્રેન યુદ્ધમાં સમાધાન માટેની મંત્રણા કરવા રશિયા તૈયાર જ છે. શરત તેટલી જ છે કે યુક્રેને પણ તેમાં તેના સત્તાવાર પ્રતિનિધિઓને મોકલવા જોઈએ, તો કોઈ પણ પૂર્વ શર્ત સિવાય હું મંત્રણા માટે તૈયાર જ છું.'
રશિયન ટીવી ઉપર પ્રશ્નોત્તરી સમયે અમેરિકાના એક પત્રકારે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેઓએ કહ્યું હતું કે, વર્ષોથી મેં ટ્રમ્પ સાથે વાતચીત કરી નથી પરંતુ હું તેઓની સાથે આ સંઘર્ષ અંગે વાતચીત કરવા તૈયાર જ છું.
આ તબક્કે એક પત્રકારે કહ્યું કે, 'રશિયા નિર્બળ સ્થિતિમાં મુકાઈ ગયું છે, તો તે વિષે તમારે શું કહેવાયું છે ?' તો તેના ઉત્તરમાં પ્રમુખ પુતિને સ્પષ્ટ કહ્યું કે, 'રશિયા નિર્બળ થયું જ નથી. ૨૦૨૨ પછી તો દેશ વધુ બળવાન બન્યો છે.' આ સાથે વ્લાદીમીર પુતિને કોઈ પણ મધ્યાબધિ (ટૂંક સમયના) યુદ્ધ વિરામની કોઈ પણ સંભાવના નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેથી કંઈ લાંબા સમયની શાંતિ સમજૂતી શકાય નહીં. વાસ્તવમાં પૂર્વે ઈસ્તંબુલમાં રજૂ થયેલી દરખાસ્તો, જેનો અમલ નથી થયો, તે અમલી કરી તેના આધારે શાંતિ મંત્રણા આગળ ચલાવવી જોઈએ. તેનો એક મુસદ્દો તૈયાર કરવો જોઈએ. તેઓએ તેમ પણ કહ્યું કે, 'વાસ્તવમાં તો ૨૦૨૨ પહેલા જ યુક્રેનમાં દળો મોકલવાની જરૂર હતી પરંતુ અમે રાહ જોઈ આખરે તે નિર્ણય લીધો.'
૧૯૯૯માં બોરિસ ચેલ્સીને અખંડ સોવિયેત સંઘ વિલીનીકરણ કરાવ્યો તે પછી ચેલ્સિ અને તમોને સત્તા સોંપી ત્યારે તમે તમોને રશિયા માટે જે કંઈ કરવા કહ્યું હતું તે તમોએ કર્યું છે ? તેવા બીબીસીના પત્રકારના ઉત્તરમાં પુતિને કહ્યું. 'હા ! તે પ્રમાણે બધું કર્યું છે.'
આ પત્રકાર પરિષદમાં રોઈટર્સના પત્રકાર (સંવાદદાતા) પણ ઉપસ્થિત હતા. તેમને પ્રમુખે ખુલ્લાં મને કહ્યું હતું કે, 'અમે ગહન ગર્તાની ધાર ઉપરથી પાછા ફર્યા છીએ. સાથે મેં સતત આગ્રહ રાખ્યો છે કે, રશિયા એક સાર્વભૌમ અને સ્વતંત્ર મહાશક્તિ તરીકે તેણે પોતાના હિતમાં હોય તે પગલાં લેવાનો તેને પૂરો અધિકાર છે.'
પ્રમુખ પુતિને આ પત્રકાર પરિષદમાં રશિયાનાં 'હાઈપર-સોનિક' મિસાઇલ 'ઓરેશ્નિક' વિષે કહ્યું હતું કે, અમે યુક્રેનની મિલિટરી ફેક્ટરી ઉપર તેનો પ્રહાર કરી તેની શક્તિનું પરીક્ષણ કરી જ લીધું છે, સાથે તે પણ જોયું છે કે પશ્ચિમની એર ડીફેન્સ સીસ્ટીમ તેને તોડી પાડી શકે તેમ છે કે નહીં તેની પણ તે સાથે ચકાસણી કરી લીધી છે.
દરમિયાન, યુરોપિયન કાઉન્સીલની પરિષદમાં હાજરી આપવા ગયેલા ઝેલેન્સ્કીને પત્રકાર પરિષદમાં જ્યારે તે હાઈપર-સોનિક મિસાઇલ વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેનો સીધો ઉત્તર આપવાને બદલે ઝેલેન્સ્કીએ વળતો પ્રશ્ન કર્યો, તમે માનો છો કે તેઓ સ્થિર મગજના છે ?
બીજી તરફ યુક્રેન વિવાદ ઉકેલવા પોતે ટ્રમ્પને મળવા તૈયાર છે તેમ પ્રમુખ પુતિને મોસ્કોમાં સંવાદદાતાઓને જણાવ્યું હતું.