રશિયાએ ઉત્તર કોરિયાને આપી એન્ટી-એર મિસાઈલો, બદલામાં પુતિનને મળી સૌથી મોટી મદદ
Image: Facebook
Russia Ukraine War: રશિયાએ ઉત્તર કોરિયાને એન્ટી-એર મિસાઈલો અને અન્ય હથિયારો આપ્યા છે. બદલામાં ઉત્તર કોરિયાએ પોતાના સૈનિક મોકલ્યા છે. ઉત્તર કોરિયાએ યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં રશિયાની મદદ માટે પોતાના 10 હજારથી વધુ સૈનિક રશિયા મોકલ્યા છે. દક્ષિણ કોરિયાના એક ઉચ્ચ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી.
રશિયા ઉત્તર કોરિયાને ન્યુક્લિયર ટેક્નોલોજી ટ્રાન્સફર કરી શકે છે
દક્ષિણ કોરિયાના ડિરેક્ટર ઓફ નેશનલ સિક્યોરિટી શિન વોન્સિકે શુક્રવારે જણાવ્યું કે રશિયાએ ઉત્તર કોરિયાની એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવા માટે તેને એન્ટી-એર મિસાઈલો અને અન્ય સાધનો આપ્યા છે. રશિયાએ ઉત્તર કોરિયાને આર્થિક મદદ પણ કરી છે. સિઓલ અને વૉશિંગ્ટનને આ વાતને લઈને ચિંતા છે કે રશિયા પોતાની સંવેદનશીલ પરમાણુ અને મિસાઈલ ટેકનોલોજી પણ ઉત્તર કોરિયાને ટ્રાન્સફર કરી શકે છે.
આ પણ વાંચો: અમેરિકામાં અદાણીના કેસમાં વળાંક આવી શકે છે, અમેરિકન પ્રમુખ તરીકે ટ્રમ્પના શપથ બાદ ‘ખેલ’ની શક્યતા
13000 થી વધુ તોપખાના મોકલી ચૂક્યું છે ઉત્તર કોરિયા
દક્ષિણ કોરિયાની ગુપ્ત એજન્સીએ બુધવારે કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ તાજેતરમાં જ રશિયાને વધુ તોપખાના સિસ્ટમ પણ મોકલી છે. ગયા મહિને રાષ્ટ્રીય ગુપ્ત સેવાએ કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ ઓગસ્ટ 2023થી અત્યાર સુધી રશિયાને 13 હજારથી વધુ કન્ટેનર તોપખાના, મિસાઈલ અને અન્ય પારંપરિક હથિયાર મોકલ્યા છે. જેથી રશિયાના હથિયાર ભંડારને ભરવામાં મદદ કરવામાં આવી શકે. આ અઠવાડિયાની શરૂઆતમાં ઉત્તર કોરિયા અને રશિયાએ પ્યોંગયાંગમાં ઉચ્ચ સ્તરીય વાર્તા બાદ આર્થિક સહયોગ વધારવા માટે એક નવો કરાર કર્યો હતો. તેની જાણકારી બંને દેશોના સરકારી મીડિયાએ આપી હતી.