ઝેલેંસ્કીના યુધ્ધવિરામ પ્લાનને રશિયાએ બકવાસ ગણાવ્યો, યુક્રેન યુધ્ધ લાંબુ ચાલે તેવા એંધાણ
પુતિન યુક્રેન લડાઇને નેકસ્ટ લેવલ પર લઇ જવાના મૂડમાં
ઝેલેંસ્કીના પ્લાનને બકવાસ ગણાવતા શાંતિના પ્રયાસોને ઝાટકો
મોસ્કો,29 ઓગસ્ટ,2024,ગુરુવાર
આંતરરાષ્ટ્રીય ફલક પર યુક્રેન અને રશિયાનું યુધ્ધ કયારે પુરુ થશે તે સૌથી મોટો કોયડો છે. અઢી વર્ષ જેટલો સમય પસાર થયો તે દરમિયાન શાંતિ માટે અનેક પ્રયાસો થયા છે પરંતુ સફળતા મળી નથી.રશિયાના ઉગ્ર તેવર જોતા યુધ્ધ લાંબુ ચાલે તેવા એંધાણ મળી રહયા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ યુધ્ધ ખતમ થાય તેવા પ્રયાસો કર્યા છે.તેના માટે એક પ્લાન પણ તૈયાર હોવાની માહિતી મળતા રશિયાએ પ્લાનને બકવાસ ગણાવ્યો છે. યુક્રેન દ્વારા અગાઉ પણ આવી વાતો થતી રહી છે માટે આ કોઇ નવાઇ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્લાન ઝેલેંસ્કી અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાયડેન, કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શેર કરવાના હતા. ઝેલેંસ્કી આગામી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના પ્રવાસે જવાના છે. તેઓ સંયુકત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેશે. જો કે રશિયાએ વાતચીત કરવાનો ઇન્કાર કરીને શાંતિના પ્રયાસોને ખાસ કરીને અમેરિકાને ખૂબ મોટો ઝટકો આપ્યો છે.
પુતિને પ્લાનને બકવાસ ગણીને યુક્રેનમાં પોતાનું સ્પેશિયલ મિલટરી ઓપરેશન ચાલું રાખશે એવી સ્પષ્ટતા કરી છે. જયાં સુધી રશિયાનું લક્ષ્ય પુરુ નહી થાય ત્યાં સુધી ઓપરેશન અટકશે નહી. જેલેંસ્કી પોતાની શરતોએ રશિયાને ઝુકાવીને વાતચીત દ્વારા યુધ્ધ ખતમ કરવા માંગે છે.
ઝેલેંસ્કીના પ્લાનનો મુખ્ય હેતું રશિયાને યુધ્ધ સમાપ્ત કરવા માટે મજબૂર કરવાનો છે. નિષ્ણાતોનું માનવું છે કે યુક્રેનના રશિયાના જમીન વિસ્તાર પર થયેલા હુમલાથી રશિયાના રાષ્ટ્રપતિ ગુસ્સામાં છે. તેઓ યુક્રેન પરની સૈન્ય કાર્યવાહીને નેકસ્ટ લેવલ પર લઇ જવાના મૂડમાં છે.