રશિયાએ કેન્સરની રસી વિકસાવી, આવતાં વર્ષથી દર્દીઓને મફત આપશે
- રશિયાની કેન્સરની રસી હાલ પ્રિ-ક્લિનિકલ ટ્રાયલ સ્તરે
- રશિયાની રસી કેન્સરની ગાંઠના વિકાસને અટકાવી શકે છે, હાલ રસીનું નામ જાહેરકરવામાં આવ્યુ નથી
મોસ્કો : રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને આ વર્ષની શરૂઆતમાં ટીવી પર આપેલાં ભાષણમાં જાહેર કર્યા અનુસાર રશિયાએ કેન્સરની રસી વિકસાવી લીધી છે અને તેને આવતાં વર્ષથી દર્દીઓની સારવાર કરવા માટે મફત પુરી પાડવામાં આવશે તેમ રશિયાની સમાચાર સંસ્થા તાસે જણાવ્યું હતું. રશિયન આરોગ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર એન્ડ્રી કાપ્રિને રેડિયો રશિયાને જણાવ્યું હતું કે રશિયાએ તેની પોતાની કેન્સરની એમઆરએનએ રસી વિક્સાવી લીધી છે, જે દર્દીઓને મફત વિતરીત કરવામાં આવશે.
રશિયાના પ્રમુખ પુતિને આ વર્ષના આરંભે ટીવી પર પ્રવચન કરતાં જણાવ્યું હતું કે આપણે નવી પેઢીની ઇમ્યુનોલોમોડયુલેટરી ડ્રગ્સ એટલે કે કેન્સરની નવી રસી વિકસાવવાની નજીક પહોંચી ગયા છીએ. ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી ના ડાયરેક્ટર એલેકઝાન્ડર જિન્ટસબર્ગે જણાવ્યું હતું કે આ રસી હાલ પ્રિ-ક્લિનિકલ ટ્રાયલના તબક્કે છે. આ રસી કેન્સરની ગાંઠના વિકાસને અટકાવી શકે છે. હાલ રસીનું નામ કે અન્ય કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી. યુકેના ડેઇલી મેઇલ અખબારના જણાવ્યા અનુસાર રશિયામાં ૨૦૨૨માં ૬,૩૫,૦૦૦ કેન્સરના કેસો નોંધાયા હતા. રશિયામાં મોટું આંતરડું, સ્તન અને ફેફસાંના કેન્સર સામાન્ય બની ગયા છે. કેન્સરની રસી કેન્સરના કોષને ઓળખી તેના પર ત્રાટકવાની રોગપ્રતિકારક તંત્રની ક્ષમતાને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
દુનિયામાં અન્ય દશો પણ કેન્સરની રસી વિકસાવવાના પ્રયાસો કર્રી રહ્યા છે. મે મહિનામાં ફલોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ ચાર દર્દીઓ પર ગ્લીઓબ્લાસ્ટોમાં નામની મગજના કેન્સરની આક્રમક સારવાર વિક્સાવી હતી જેમાં બે જણાંના જીવ ગયા હતા. યુકેમાં પણ વિજ્ઞાાનીઓ મેલોનામા નામના ત્વચાના કેન્સર માટે પર્સનલાઇઝડ રસી વિકસાવી રહ્યા છે. આ રસી લેવાથી જીવલેણ ત્વચાના કેન્સર સામે બચવાની તકો વધી જાય છે. દર્દીની જ કેન્સરની ગાંઠમાંથી આરએનએ મેળવી ચોક્કસ પ્રોટીન્સને ઓળખી તેની પર ત્રાટકવાનું શીખવવા માટે પર્સનલાઇઝડ કેન્સરની રસી ડિઝાઇન કરવામાં આવેલી હોય છે.