તાલિબાન સાથે સંબંધો સુધારવા માટે મથી રહ્યું છે રશિયા, અચાનક લીધો મોટો નિર્ણય
Russia Afghanistan Relations : રશિયાએ તાલિબાનને આતંકવાદી યાદીથી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. રશિયન વિદેશ મંત્રીએ શુક્રવારે કહ્યું કે, આ એક ઉચ્ચસ્તરીય નિર્ણય છે. જોકે, આ નિર્ણયને સત્તાવાર રીતે પૂર્ણ કરવા માટે કેટલીક કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની બાકી છે. રશિયાએ તાલિબાનને વર્ષ 2003માં આ યાદીમાં સામેલ કર્યું હતું. જેનાથી તેને બહાર કરવું તાલિબાન સાથે સંબંધો સુધારવાનો મોટો નિર્ણય સાબિત થશે. પુતિને જુલાઈમાં કહ્યું હતું કે, 'રશિયા તાલિબાન આંદોલનને આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં મહત્વપૂર્ણ માને છે.'
સંબંધોને આગળ વધારી રહ્યું છે રશિયા
રશિયા ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાન પર તાબિલાન તરફથી સત્તા પર કબજો કરાયા બાદ ધીરે-ધીરે સંબંધો વધી રહ્યા છે. ભલે ચીન અને યૂએઈએ તાલિબાનના રાજદૂતોનો સ્વીકાર કરી લીધો હોય, પરંતુ કોઈપણ દેશે સત્તાવાર રીતે તાલિબાનને અફઘાનિસ્તાનનું કાયદેસરનું નેતૃત્વ નથી માન્યું.
અફઘાનિસ્તાન પર મૉસ્કોમાં બેઠક
શુક્રવારે રશિયાની રાજધાની મૉસ્કોમાં અફઘાનિસ્તાનને લઈને મૉસ્કો ફોર્મની બેઠક ચાલી રહી છે. જેમાં રશિયા તરફથી વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ભાગ લઈ રહ્યા છે. ભારત પણ આ બેઠકમાં સામેલ થયું છે. ભારતનું પ્રતિનિધિત્વ સંયુક્ત સચિવ જેપી સિંહ કરી રહ્યા છે. જેપી સિંહ આ પહેલા અફઘાનિસ્તાનનો પ્રવાસ કરીને તાલિબાન નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.
રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માગે છે તાલિબાન
રશિયાએ પણ તાલિબાન પર તમામ પ્રતિબંધો છતાં પોતાના સંબંધો જાળવી રાખ્યા છે. જોકે, તેમણે હજુ સુધી તાલિબાનને અફઘાનિસ્તાની સરકારને સત્તાવાર માન્યતા નથી આપી. રશિયન મીડિયા TASSના રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પશ્તો ભાષામાં તાલિબાનનો અર્થ 'છાત્ર' થાય છે. આ સંગઠનની સ્થાપના વર્ષ 1994માં અફઘાનિસ્તાનના કંધાર શહેરમાં થઈ હતી. આ તે જૂથોમાંથી એક હતું જે સોવિયત સંઘની વાપસી બાદ અફઘાનિસ્તાન પર કબજા માટે ગૃહ યુદ્ધ લડી રહ્યું હતું.
અમેરિકાને પણ આપી સલાહ
લાવરોવે કહ્યું કે, અમેરિકાએ અફઘાનિસ્તાનને જપ્ત કરેલી સંપત્તિ પરત કરવી જોઈએ અને પશ્ચિમને દેશના સંઘર્ષ બાદ પુનર્નિર્માણની જવાબદારી સ્વીકારવી જોઈએ.