યુક્રેનમાં રશિયાની સેના લૂંટફાટ, અત્યાચાર અને મહિલાઓ પર રેપ કરી રહી છેઃ યુએનનો સ્ફોટક અહેવાલ
image : Twitter
કીવ.તા.16 માર્ચ 2024,શનિવાર
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને લઈને યુનાઈટેડ નેશન્સે એક સ્ફોટક અહેવાલ જાહેર કર્યો છે અને તેમાં કહેવામાં આવ્યુ છે કે, રશિયાની સેના યુક્રેનમાં અત્યાચાર અને મહિલાઓ પર બળાત્કાર પણ કરી રહી છે.
યુએનના રિપોર્ટને લઈને દુનિયાભરમાં ચકચાર મચી ગઈ છે. યુક્રેન સાથેના યુધ્ધને બે વર્ષ પૂરા થયા છે અને આ દરમિયાન રશિયાએ યુક્રેનના પાંચ વિસ્તારો પર કબ્જો જમાવ્યો હોવાનુ મનાઈ રહ્યુ છે.
યુનાઈટેડ નેશન્સે પોતાના અહેવાલમાં કહ્યુ છે કે, રશિયા પોતાના પ્રભુત્વવાળા યુક્રેનના વિસ્તારોમાં માનવાધિકારોનુ ગંભીર ઉલ્લંઘન કરી રહ્યુ છે અને યુધ્ધ અપરાધો પણ આચરી રહ્યુ છે. જેમાં લોકોને યાતના આપવાથી માંડીને મહિલાઓ પર રેપ કરવાની ઘટનાઓ પણ સામેલ છે.
આ અહેવાલમાં નાગરિક વિસ્તારોમાં રશિયાની સેના દ્વારા વિસ્ફોટક હથિયારોના સતત ઉપયોગને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોને રશિયાની સેના દ્વારા નુકસાન પહોંચાડવામાં આવી રહ્યુ હોવાનો ઉલ્લેખ પણ અહેવાલમાં કરાયો છે.
યુએનના અધિકારી એરિક મોસેએ મીડિયાને કહ્યુ હતુ કે, રશિયાની સેના દ્વારા આંતરરાષ્ટ્રીય માનવાધિકારોનુ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે અને તેની વધુ તપાસની જરૂર છે. અમે આ રિપોર્ટ તૈયાર કરતા પહેલા 16 વખત યુક્રેનની મુલાકાત લઈને સેંકડો લોકો સાથે વાતચીત કરી છે.
તેમણે આગળ જણાવ્યુ હતુ કે, યુધ્ધ કેદીઓ તરીકે પકડાયેલા લોકો સાથે રશિયાએ ભયાનક વ્યવહાર કર્યો છે. મહિલાઓ પર તો રેપ કરવામાં આવ્યા જ છે પણ પુરુષ કેદીઓેને પણ રેપની ધમકીઓ આપવામાં આવી છે. રશિયાએ જે વિસ્તારો પર વર્ચસ્વ જમાવ્યુ છે તે વિસ્તારોમાંથી યુક્રેનના બાળકોને પણ રશિયામાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. યુક્રેનના ખારસોન શહેરમાં યુક્રેનની સંસ્કૃતિ સાથે જોડાયેલી પ્રાચીન વસ્તુઓની તેમજ દસ્તાવેજોની લૂંટ પણ ચલાવવામાં આવી હતી. નવેમ્બર 2022માં ખારસોનના આર્કાઈવ્ઝમાંથી જૂના દસ્તાવેજોને ક્રિમિયામાં મોકલી દેવાયા હતા. મ્યુઝિયમમાંથી 10000 કલાકૃતિઓ પણ ગાયબ છે.