અમે યુક્રેનના 234 સૈનિકો અને સાત ટેન્કોનો ખાતમો બોલાવ્યો, યુદ્ધ વચ્ચે રશિયાનો મોટો દાવો
મોસ્કો,તા.13.માર્ચ.2024
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ક્યારે ખતમ થશે તે કોઈ કહી શકે તેમ નથી. યુરોપના બીજા દેશો પણ તેની અસર અનુભવી રહ્યા છે. રશિયા કે યુક્રેન એમ બેમાંથી એક પણ દેશ નમતું જોખવા માટે તૈયાર નથી. આ યુદ્ધમાં બંને દેશો એક બીજા પર પલટવારના દાવા કરી રહ્યા છે. રશિયાએ દાવો કર્યો છે કે, યુક્રેનની સેનાના એક મોટા હુમલાને નિષ્ફળ બનાવાયો છે.યુક્રેને પોતાના 234 સૈનિકોને ગુમાવીને આ હુમલાની કિંમત ચૂકવી છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, સરહદે થયેલા હુમલાના પ્રયાસ માટે યુક્રેનની સરકાર અને યુક્રેનના આતંકી સંગઠનો જવાબદાર છે.રશિયાની સેના આ પ્રકારના હુમલા ખાળવા માટે સક્ષમ છે. યુક્રેનના સૈનિકોના મોત થવાની સાથે સાથે યુક્રેનના સાત ટેન્ક અને પાંચ બખ્તરિયા વાહનોનો પણ ખાત્મો બોલાવી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેનની સરહદે પર બંને દેશો છાશવારે એક બીજા પર આક્રમણ કરતા હોય છે. છુટાછવાયા હુમલામાં બંને પક્ષો અલગ અલગ દાવા કરતા આવ્યા છે.
રશિયાએ એવું પણ કહ્યું છે કે, મંગળવારે યુક્રેનના ડ્રોન દ્વારા રશિયાની અંદર બે ઓઈલ રિફાઈનરી પર હુમલા કર્યા હતા.