રશિયાનો કિવ પર હુમલો થતા ઝેલેંસ્કીએ આફ્રિકાનો પ્રવાસ ટુંકાવ્યો, હુમલામાં 9 ના મોત અને 63 ઘાયલ થયા હતા
રશિયા શાંતિ પ્રસ્તાવ માટે તૈયાર છે ટ્રમ્પના આ નિવેદન પછી પણ હુમલો
કિવ ઉપરાંત ખારકિવની આંતરમાળખાકિય સુવિધાને ભારે નુકસાન
મોસ્કો,૨૪ એપ્રિલ,૨૦૨૫,ગુરુવાર
રશિયાએ કિવ પર વિનાશક હુમલો કરતા ૯ લોકોના મોત થયા છે આ હુમલાના કારણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમેર ઝેલેંસ્કી પોતાનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ટુંકાવીને કિવ પાછા ફરી રહયા છે. દક્ષિણ આફ્રિકા બ્રિકસ સાથે જોડાયેલો મહત્વનો સભ્ય દેશ છે. ઝેલેંસ્કીએ પોતાની ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાને મળીને યુક્રેન પાછા ફરશે.
ઝેલેંસ્કીના આ નિવેદન પહેલા યુક્રેની અધિકારીઓને જણાવ્યા અનુસાર બુધવારની રાત્રિએ કીવ અને ખારકિવમાં રશિયાએ મિસાઇલો અને ડ્રોન્સની મદદથી વિનાશક હુમલો કર્યો હતો. બંને શહેરોની આંતર માળખાકિય સુવિધાને હુમલાથી ભારે નુકસાન થયું છે. યુક્રેનની સરકારી ઇમરજન્સી સેવાએ પણ કમસેકમ ૯ લોકોના મોત અને ૬૩ ઘાયલ થયા હોવાની પુષ્ટી કરી છે. નવાઇની વાતતો એ છે કે રશિયાનો હુમલો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રશિયા તરફી નિવેદન બાદ થયો છે.
વાઇટ હાઉસમાં સંવાદદાતાઓ સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયા શાંતિ સમજૂતી માટે તૈયાર જણાય છે પરંતુ પરંતુ ઝેલેંસ્કી જ આનાકાની કરે છે. મને લાગતું હતું કે ઝેલેંસ્કી સાથે ડીલ કરવી ઘણી આસાન હશે પરંતુ અત્યાર સુધી ખૂબજ કઠીન સાબીત થઇ રહયું છે. ટ્રમ્પના આ નિવેદનને રશિયાએ ગણતરીની મિનિટોમાં ખોટું પાડીને કિવ પર હુમલો કરતા બંને નેતાઓ વચ્ચેનો વિરોધાભાસ બહાર આવ્યો છે.રાષ્ટ્રપતિની ચુંટણીના પ્રચાર અભિયાન દરમિયાન ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહેતા હતા કે યુક્રેન યુધ્ધ ૨૪ કલાકમાં અટકાવી દેશે પરંતુ પદ સંભાળ્યાને ૩ મહિના થયા છતાં ટ્રમ્પ કોઇ ઉકેલ લાવી શકયા નથી.
ટ્રમ્પનો ઝુકાવ રશિયા તરફી ખાસ તો પુતિન માટે હોય તેવું ઘણી વાર જણાયું છે. ઝેલેંસ્કી સાથે વાઇટ હાઉસમાં મુલાકાત દરમિયાન ચકમક ઝરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ કરાવવાનો દાવો ટ્રમ્પ કરતા રહયા પરંતુ યુધ્ધ વકરતું રહયું છે તે રશિયાના તાજેતરના હુમલા પરથી સાબીત થયું છે. એવું માનવામાં આવે છે કે અમેરિકાના શાંતિ પ્રસ્તાવમાં ક્રીમિયા પ્રાયદ્વીપને રશિયાના નિયંત્રણ હેઠળ દર્શાવાયો છે તેમજ રશિયાએ જીતેલા યુક્રેનના અન્ય વિસ્તારોનું શું તે અંગે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આવા સંજોગોમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી શાંતિ પ્રસ્તાવ સ્વીકારવાના મૂડમાં નથી. પોતાના દેશને રશિયાના હાથે ટુકડામાં વહેંચાયેલો જોવા ઇચ્છતા નથી.