ઉત્તર કોરિયામાં બનેલી મિસાઈલો વડે યુક્રેન પર આક્રમણ કરી રહ્યુ છે રશિયાઃ અમેરિકાનો આરોપ
image : Socialmedia
વોશિંગ્ટન,તા.5 જાન્યુઆરી 2024,શુક્રવાર
યુક્રેન સામેના જંગમાં રશિયા હવે ઉત્તર કોરિયાની મિસાઈલોનો ઉપયોગ કરી રહ્યુ હોવાનો સ્ફોટક આરોપ અમેરિકાએ લગાવ્યો છે.
વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, રશિયાને ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલો પૂરી પાડી છે અને રશિયાએ તેનો ઉપયોગ શરુ પણ કરી દીધો છે. ઓછા અંતરની બીજી મિસાઈલો ખરીદવા માટે રશિયા હવે ઈરાન સાથે પણ વાટાઘાટો કરી રહ્યુ છે. આ ડીલ બહુ જલદી ફાઈનલ થાય તેવી શક્યતાઓ છે.
અમેરિકન નેશનલ સિક્યુરિટી કાઉનસિલના પ્રવક્તા જોન કિર્બીએ ગુરુવારે કહ્યુ હતુ કે, રશિયાએ 30 સપ્ટેમ્બરે નોર્થ કોરિયામાં બનેલી મિસાઈલ યુક્રેન પર લોન્ચ કરી હતી અને તે ખુલ્લા મેદાનમાં પડી હતી. 2 જાન્યુઆરીએ ફરી નોર્થ કોરિયન મિસાઈલો યુક્રેન પર લોન્ચ કરાઈ હતી. આ મિસાઈલોની રેન્જ 900 કિલોમીટર જેટલી છે.
અમેરિકાનુ કહેવુ છે કે, આ મિસાઈલોના બદલામાં કોરિયાને રશિયા પાસેથી બખ્તરિયા વાહનો, બેલેસ્ટિક મિસાઈલ પ્રોડક્શન માટેના ઉપકરણો અને બીજી આધુનિક ટેકનોલોજી મળે તેવી શક્યતા છે. યુક્રેન યુધ્ધ બાદ અમેરિકાએ લગાવેલા પ્રતિબંધોના કારણે રશિયા વૈશ્વિક સ્તરે એકલુ પડી ગયુ છે અને હવે તેને નોર્થ કોરિયા જેવા તાનાશાહ દેશો પાસેથી હથિયારો લેવાની ફરજ પડી રહી છે.