Get The App

યુક્રેન પર રશિયાનો ખતરનાક હુમલો, યુદ્ધમાં પહેલીવાર ICBM મિસાઈલો છોડી

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
યુક્રેન પર રશિયાનો ખતરનાક હુમલો, યુદ્ધમાં પહેલીવાર ICBM મિસાઈલો છોડી 1 - image


Image Source: Twitter

Russia Attacked ICBM Missile On Ukraine: યુક્રેન-રશિયા યુદ્ધ હવે ભયાનક સ્થિતિમાં પહોંચી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. યુક્રેને અમેરિકન અને બ્રિટિશ મિસાઈલો વડે રશિયન શહેરોને નિશાન બનાવ્યા બાદ હવે રશિયાએ પણ પોતાનો દાવ ખેલ્યો છે. ગુરુવારે યુક્રેને કહ્યું કે લગભગ 3 વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં રશિયાએ પહેલીવાર યુક્રેન પર ઈન્ટર-કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. રશિયાએ યુક્રેનના ડિનિપ્રો શહેર પર 21 નવેમ્બરે સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે ICBM મિસાઈલ વડે યુક્રેનિયન શહેર ડિનિપ્રો પર તાબડતોડ હુમલા કર્યા છે. આ માટે રશિયાએ RS-26 Rubezh મિસાઈલનો ઉપયોગ કર્યો હોવાની શક્યતા છે. જેને અસ્ત્રાખાન વિસ્તારમાંથી છોડવામાં આવી હતી. 

યુક્રેનની વાયુસેનાએ આ હુમલાની પુષ્ટિ કરી છે. આ મિસાઈલ ઉપરાંત કિંઝલ હાઈપરસોનિક અને KH-101 ક્રૂઝ મિસાઈલોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનની વાયુસેનાએ એ વાતની પુષ્ટિ કરી છે કે, અમારી મહત્વપૂર્ણ સંસ્થાઓ, ઈમારતો અને માળખાને નુકસાન થયું છે. આ હુમલામાં બિન-પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ક્રૂઝ મિસાઈલો છોડવા માટે રશિયાએ તેના લાંબા અંતરના બોમ્બર Tu-95MS નો ઉપયોગ કર્યો છે. આ બોમ્બરોએ વોલ્ગોગ્રાડ વિસ્તારમાંથી ઉડાન ભરી હતી. જ્યારે કિંઝલ હાઈપરસોનિક મિસાઈલોને તામ્બોવ વિસ્તારમાંથી ઉડાન ભરેલ MiG-31K ફાઈટર જેટમાંથી છોડવામાં આવી હતી.

આ વચ્ચે રશિયાએ દાવો કર્યો છે કે, અમારી એર ડિફેન્સ સિસ્ટમે બે બ્રિટિશ સ્ટોર્મ શેડો મિસાઈલોને તોડી પાડી છે. આ મિસાઈલોને યુક્રેને રશિયા તરફ છોડી હતી. પ્રથમ વખત યુક્રેને આ મિસાઈલનો ઉપયોગ રશિયા સામે કર્યો હતો.

યુક્રેનિયન ઈન્ટેલિજન્સે કર્યો હતો દાવો

20 નવેમ્બર 2024ના રોજ યુક્રેનિયન ઈન્ટેલિજન્સે દાવો કર્યો હતો કે રશિયન સેના પોતાની  ઈન્ટર-કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ RS-26 Rubezhને છોડવાની તૈયારી કરી રહી છે. આ મિસાઈલ કપુસ્ટીન યાર એર બેઝથી લોન્ચ કરવામાં આવશે. આ વિસ્તારને અસ્ત્રાખાન પણ કહેવામાં આવે છે. આ મિસાઈલમાં પરમાણુ હથિયાર ન હોય તેવી શક્યતા છે. પરંતુ ઓછી તીવ્રતાના પરમાણુ હથિયારો અથવા ખતરનાક પરંપરાગત હથિયારો લગાવી શકાય છે.

આ મિસાઈલનું વજન 36 હજાર કિલોગ્રામ છે. તેમાં એક સાથે 150/300 કિલોટનના ચાર હથિયારો લગાવી શકાય છે. એટલે કે આ મિસાઈલ MIRV ટેક્નોલોજીથી સજ્જ છે. એટલે કે તે એક સાથે ચાર ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. આ મિસાઈલ Avangard હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલને લઈ જવા માટે પણ સક્ષમ છે. આનો અર્થ એ છે કે હુમલો વધુ મજબૂત થઈ શકે છે.

આ મિસાઈલની રેન્જ લગભગ 6000 કિલોમીટર છે. આ મિસાઈલ 24,500 કિમી પ્રતિ કલાકની ઝડપે ટાર્ગેટ તરફ આગળ વધે છે. એનો અર્થ એ કે, તેને રોકવું વિશ્વની કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ માટે ખૂબ જ મુશ્કેલ છે. તેને રોડ-મોબાઈલ લોન્ચરથી છોડી શકાય છે. તેને જમીન અથવા સમુદ્રમાંથી પણ છોડવામાં આવી શકે છે. ICBM ને એક વ્યૂહાત્મક રક્ષણાત્મક હથિયાર માનવામાં આવે છે જેનો ઉપયોગ પરમાણુ યુદ્ધમાં કરવામાં આવી શકે છે. બીજી તરફ કોઈ મિસાઈલને ICBM કહેવા માટે તેમાં કમ સે કમ 5,500 કિલોમીટરની મારક ક્ષમતા હોવી જોઈએ.



Google NewsGoogle News