VIDEO: યુક્રેનના એજન્ટે રશિયન જનરલને મોસ્કોમાં ઘૂસી બોમ્બથી ઉડાવતાં ખળભળાટ
Russia-Ukraine War: યુક્રેનના શહેરો પર ભીષણ હુમલા વચ્ચે રશિયાએ દાવો કર્યો કે, અમે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે, જે મૉસ્કો પાસે અમારા એક વરિષ્ઠ સૈન્ય અધિકારીની હત્યામાં સામેલ હતો. રશિયાના ફેડરલ સિક્યોરિટી સર્વિસ અનુસાર, આ હુમલો યુક્રેનથી છોડવામાં આવેલો રિમોટ-કંટ્રોલ કાર બોમ્બ હતો. જેનો ભયાનક હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે.
કાર-બોમ્બથી કરાયો હુમલો
મળતી માહિતી મુજબ, કારમાં વિસ્ફોટક ઉપકરણ ભરીને પાર્ક કરવામાં આવી હતી. જેવા મેજર જનરલ યારોસ્લાવ મોસ્કાલિક ઘરથી બહાર નીકળ્યા, વિસ્ફોટકને યુક્રેનથી રિમોટ દ્વારા એક્ટિવ કરી દેવામાં આવ્યું. જ્યારે તે કારમાં સવાર હતાં, બોમ્બ ફાટ્યો અને કારના ચીથરા ઉડી ગયાં. મોસ્કાલિક રશિયન જનરલ સ્ટાફના મુખ્ય કામગીરી નિર્દેશાલયના ડેપ્યુટી ચીફ હતા.આ ભયાનક વિસ્ફોટમાં જનરલ મોસ્કાલિકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ઘટના બાલાશિખા વિસ્તારમાં બની હતી, જે મૉસ્કોના બહારના ભાગમાં સ્થિત છે.
તપાસમાં થયા મોટા ખુલાસા
ધરપકડ કરાયેલી વ્યક્તિની ઓળખ ઇગ્નાટ કુઝિન (41) તરીકે થઈ છે, જેને રશિયાએ યુક્રેનના ગુપ્તચર એજન્સીનો કથિત એજન્ટ ગણાવ્યો છે. કુઝિનની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે, યુક્રેન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી.
આ પણ વાંચોઃ અચાનક જ પૂર આવતા પાકિસ્તાને ઈમરજન્સી જાહેર કરી, ભારત પર લગાવ્યો ગંભીર આરોપ
યુક્રેન પર હુમલાના આરોપ
નોંધનીય છે કે, આ કોઈ પહેલી ઘટના નથી. ગતવર્ષે ડિસેમ્બરમાં, મોસ્કોમાં એક વિસ્ફોટમાં લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરીલોવ અને તેમના સહાયકનું મોત નિપજ્યું હતું. તેઓ રશિયાના રેડિયોલોજીકલ, કેમિકલ અને બાયોલોજિકલ ડિફેન્સ ફોર્સના વડા હતા. તે સમયે પણ રશિયાએ યુક્રેન પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.