બૈજિંગ ફોરમમાં રશિયા અને ચાયનાએ પશ્ચિમનાં ઘમંડ પર પસ્તાળ પાડી : બંને લશ્કરી સંબંધો મજબૂત કરશે
- ગ્લોબલ સાઉથના ઉત્કર્ષ માટે ચીને જોરદાર રજૂઆત કરી : સૈન્ય સંઘર્ષ ઇન્ડો પેસિફિકમાં લઇ જવાનો રશિયાએ પશ્ચિમ પર આક્ષેપ કર્યો
બૈજિંગ : અહીં યોજાયેલા મિલિટરી ડીપ્લમોમસી ફોરમમાં રશિયા અને ચાયનાએ પશ્ચિમનાં ઘમંડ પર પસ્તાળ પાડી હતી. સાથે બંનેએ લશ્કરી સંબંધો મજબૂત કરવા નિર્ણય લીધો હતો. રશિયાએ પશ્ચિમની ઉગ્ર ટીકા કરતાં કહ્યું હતું કે તે લશ્કર સંઘર્ષને ઇન્ડો પેસિફિક વિસ્તારમાં ખેંચી જઇ રહ્યું છે અને યુક્રેનમાં ડેન્જરસ ગેઇમ ખેલી રહ્યું છે.
ઝિયાંગ શાન ફોરમ તરીકે ઓળખાતી આ પરિષદમાં ચીનના સંરક્ષણ મંત્રી ડોંગ જૂને કહ્યું હતું કે ચીન પાડોશી દેશો અને વિશેષત: વિકાસશીલ દેશો સાથે લશ્કરી સંબંધો મજબૂત કરવાનો તેનો નિર્ણય જણાવ્યો હતો. અને કહ્યું હતું કે વૈશ્વિક સલામતી જાળવવા મહત્ત્વના મોટા દેશોએ આગળ આવવું જોઇએ. અને નાના તથા નિર્બળ દેશોને ઢીંકે ચઢાવવાની મનોવૃત્તિ દૂર કરાવવી જોઇએ.
રશિયાના નાયબ સંરક્ષણ મંત્રી એલેકઝાંડર ફેમિને તો સીધો જ અમેરિકા ઉપર હુમલો શરૂ કરી દીધો હતો, અને કહ્યું હતું કે અમેરિકા ચીન અને રશિયાને નાથવા એશિયામાં યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે, તો બીજી તરફ રશિયા અને ચીન ન્યાયયુક્ત અને બહુધુ્રવીય વિશ્વ વ્યવસ્થા ગોઠવવા પ્રયત્નો કરી રહ્યા છે. સાથે, દેશો દેશો વચ્ચે સમાનતા અને પારસ્પરિક આદર રાખવા પ્રયત્નો કરે છે.
આ સાથે ફેમિને યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે રશિયા શાંતિ મંત્રણા માટે પ્રયત્નો કરે છે ત્યારે નાટો દેશો યુક્રેનમાં સૈન્ય મોકલવાની તજવીજ કરી રહ્યા છે. આ એક ડેન્જરસ કાર્યવાહી છે. તે પરમાણુ સત્તાઓ વચ્ચે સીધો સંઘર્ષ ઊભો કરે તેમ છે. જો કે નાટો તો તેમ જ કહે છે કે સૈન્ય મોકલવાની તેની યોજના નથી.