પુતિન વિરોધી એલેક્સી નવલનીના મોત બાદ પરિવારને મૃતદેહ આપવા માટે પણ આનાકાની, વૃધ્ધ માતાએ ઠાલવી વ્યથા
મોસ્કો, તા. 18 ફેબ્રુઆરી 2024
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રખર વિરોધી અને વિપક્ષી નેતા એલેક્સી નવલનીના મોત બાદ આખી દુનિયામાં ખળભળાટ છે.
એલેક્સી નવલનીની વૃધ્ધ માતાનુ કહેવુ છે કે, હજી સુધી પરિવારને મારા દીકરાનો મૃતદેહ સોંપવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, મોસ્કોથી 1900 કિલોમીટર દૂર એલેક્સી નવલનીનુ એક જેલમાં મોત થયુ હતુ. સરકારનુ કહેવુ છે કે, જેલના યાર્ડમાં વોક કર્યા બાદ તેઓ બેહોશ થઈ ગયા હતા અને તેમનુ મોત થયુ હતુ પણ રશિયામાં ઘણા લોકોને સરકારનો આ ખુલાસો ગળે ઉતર્યો નથી. તેમના મોતને હત્યા પણ ગણાવવામાં આવી રહી છે.
હવે 47 વર્ષીય એલેક્સી નવલનીના મૃતદેહને પાછો મેળવવા માટે તેમની માતાને લડાઈ લડવાનો વારો આવ્યો છે. તેમના પ્રેસ સેક્રેટરી કિરા યર્મિશે કહ્યુ હતુ કે, સરકાર જુઠ્ઠાણુ ચલાવી રહી છે અને મૃતદેહ પરથી હત્યાના પૂરાવા દુર કરવાની કોશિશ કરી રહી હતી. પુતિને એલેક્સીની હત્યા કરાવી છે અને હત્યા કેવી રીતે કરી તે પણ સામે આવશે. એલેક્સી સાથે શું થયુ છે તે બહાર ના આવે તે માટે પુતિન તમામ પ્રયાસો કરી રહ્યા છે.
બીજી તરફ સરકારી અધિકારીઓનુ કહેવુ છે કે, મોતનુ કારણ જાણવા માટે ઘણા ટેસ્ટ કરવાના બાકી છે અને તેના કારણે એલેક્સીનો મૃતદેહ આગામી સપ્તાહે તેના પરિવારને સોંપાશે.
વિદેશી મીડિયા એલેક્સી નવલનીના મોતને લઈને પુતિન પર પ્રહારો કરી રહ્યુ છે. બ્રિટિશ અખબારે લખ્યુ છે કે, રશિયામાં લોકશાહી સમર્થક આંદોલનને પુતિનની સરકારે કચડી નાંખ્યુ છે. પુતિન રશિયામાંથી એલેક્સી નવલનીના નામને જ ભૂંસી નાંખવા માંગે છે અને જ્યારે એલેક્સી નવલનીના પરિવારજનો તેમનો મૃતદેહ લેવા માટે ગયા ત્યારે જેલના સત્તાધીશોએ કહ્યુ હતુ કે, ડેડ બોડી તો કોલ્ડરુમમાં મકુવામાં આવી છે અને કોલ્ડરુમમાંથી તેમને જવાબ મળ્યો હતો કે, મૃતદેહ અહીંયા નથી.
એલેક્સી નવલનીના મોત બાદ દુનિયાના ઘણા દેશોમાં રશિયન દૂતાવાસો સામે દેખાવો થયા છે. તેઓ વ્યવસાયે વકીલ હતા. 2021માં તેઓ કોર્ટમાં અંતિમ વખત હાજર થયા હતા અને તે વખતે તેમણે કહ્યુ હતુ કે, રશિયા પાસે બધુ છે પણ એક દેશ તરીકે આપણે દુખી છે. રશિયા આઝાદ પણ થવુ જોઈએ અને ખુશહાલ પણ બનવુ જોઈએ.
દરમિયાન સેંટ પીટર્સબર્ગ શહેરમાં નવલનીની હત્યા થઈ હોવાના આરોપ સાથે દેખાવ કરી રહેલા એક વ્યક્તિની પોલીસે તરત જ અટકાયત કરી લીધી હતી.