યુક્રેનના ગામોમાં રશિયાની આગેકૂચ .
- ટ્રમ્પ સાથે યુદ્ધ બંધ કરવાની વાતચીત છતાં પણ પુતિન ''હૈ કી માનતા નહીં...!'
- ટ્રમ્પ સામે પુતિનની લાલ આંખ
- યુરોપ લશ્કર ઉતારે તો દોઢથી બે લાખના સૈન્ય ઉપરાંત એર અને નેવી સપોર્ટ પણ પૂરો પાડવો પડશે : ઝેલેન્સ્કી
યુક્રેનમાં લશ્કરી ટુકડી મોકલવા માટે બ્રિટન અને ફ્રાન્સ તૈયાર, પણ બીજા દેશોને યુદ્ધ વધારે ભડકવાનો ડર
કીવ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા પર આવ્યાના મહિનામાં જ રશિયા-યુક્રેન યુદ્ધ પૂરુ કરી દઇશ તેવા દાવા વચ્ચે રશિયાએ આગેકૂચ જારી રાખતા યુક્રેનમાં વધુ એક ગામ કબ્જે કર્યુ હતુ. રશિયાએ પૂર્વી યુક્રેનના ડોનેત્સ્ક પ્રાંતમાં બેરેઝિવ્કાનું ગામ કબ્જે કર્યુ હતું. રશિયાએ કબ્જે કરેલી વસાહત ભલે નાની હોય, પરંતુ તેની સાથે તેને આખા ડોનેત્સ્ક પર કબ્જો કરવાનો માર્ગ ખુલ્લો થશે.
યુક્રેને રશિયાએ કબ્જે કરેલા ગામ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. રશિયા ડોનેત્સ્ક અને પડોશના લુહાન્સ્ક પ્રાંતના બધા વિસ્તારો પર અંકુશ મેળવવા માંગે છે, જે બંને ભેગા મળીને યુક્રેનનો ડોનબાસ ઇન્ડસ્ટ્રીયલ રિજયન બને છે.
યુક્રેન હાલમાં પાછળ પડી રહ્યુ છે તેનું કારણ તેને અમેરિકાની મળનારની સહાય અંગેની અનિશ્ચિતતા છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયાએ શનિવારે પશ્ચિમી અને દક્ષિણપશ્ચિમ રશિયામાં ત્રાટકેલા ૪૦ જેટલા યુક્રેનિયન ડ્રોન ખતમ કરી દીધા હતા. કોઈપણ જાનહાનિના અહેવાલ નથી.
જ્યારે રશિયાના ૭૦ ડ્રોન યુક્રેન પર ત્રાટ્કયા હતા. યુક્રેનિયન એરફોર્સે ૩૩ ડ્રોન ખતમ કરી દીધા હતા અને ૩૭ ખતમ થઈ ગયા હતા. ઇલેક્ટ્રોનિક જામર વડે તેને ખતમ કરી દેવામાં આવ્યા હોવાનું મનાય છે.
એક અન્ય હિલચાલમાં યુક્રેનના ચેર્નોબિલ પરમામુ મથકે શનિવારે રેડિયેશન ન છોડતા યુરોપે રાહતનો શ્વાસ લીધો હતો. રશિયન ડ્રોનના હુમલામાં આ પ્લાન્ટનું ઉપરનું શીલ્ડ તૂટી જતાં યુરોપના શ્વાસ પડીકે બંધાયા હતા.
અમેરિકાની સુરક્ષા અગ્રતાઓ બદલાતા યુરોપીયન દેશોનું જૂથ હવે યુક્રેનમાં તેના લશ્કરી દળો મોકલવાની યોજના પર કામ કરી રહ્યું છે, જેથી યુક્રેનને રશિયા સાથેના શાંતિ કરારમાં મંત્રણાના ટેબલમાં પુતિનની સમકક્ષ રાખી શકાય.
આ અંગે ઘણા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે યુરોપ જો ખરેખર યુક્રેનને લશ્કરી મદદ કરવા માંગતો હોય તો કંઈ નાની-નાની ટુકડીઓ મોકલવાથી કામ નહીં ચાલે. યુરોપેીયન દેશોએ યુક્રેનને એટલા મોટા પ્રમાણમાં લશ્કરી દળો પૂરા પાડવા પડશે જેથી તે રશિયાની બરોબરી કરી શકે. પછી ભલેને આ યુદ્ધ લાંબુ ચાલે. યુરોપ હવે કમસેકમ આ મુદ્દાને લઈને અમેરિકાથી અલગ પડવા જઈ રહ્યુ છે. આગામી દિવસોમાં કમસેકમ યુક્રેનને લશ્કરી મદદ કરવાના મોરચે યુરોપમાં સંમતિ સધાઈ શકે છે.
ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેનને જો યુરોપે લશ્કરી મદદ કરવી હોય તો કમસેકમ દોઢથી બે લાખનું લશ્કર મોકલવું પડશે. તેની સાથે-સાથે જરુરી એર સપોર્ટ અને નેવી સપોર્ટ પણ આપવો પડશે. બીજા શબ્દોમાં કહીએ તો યુરોપે આ યુદ્ધમાં સુધા જોડાવવું જ પડશે, તે સિવાય રશિયાને રોકવાનો કોઈ આરો નથી. પછી ભલે અમેરિકા જોડાય કે ન જોડાય.
બ્રિટન અને ફ્રાન્સ આ પ્રયત્નમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે. આ અંગેની ચર્ચામાં સંકળાયેલા દેશો હજી પણ આ મામલાને લઈને ખચકાટ અનુભવે છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી શાંતિ સુનિશ્ચિત થાય તે પૂર્વે તેમના દેશની સુરક્ષાની ખાતરી માંગે છે. તેમને સંરક્ષણ આપવાનો શ્રેષ્ઠ માર્ગ યુક્રેનને નાટોનું સભ્યપદ આપવાનો હતો, પરંતુ અમેરિકા હવે તેનો ઇન્કાર કરી રહ્યું છે. તેથી યુક્રેને હવે નાટોના સભ્યપદનો આગ્રહ છોડીને તેમના દેશની સુરક્ષાની ખાતરી માંગી છે. યુકે તેમા મહત્ત્વના ભાગ ભજવી શકે છે, તેમ યુકેના પીએમ સ્ટારમેરે સાવધાનીપૂર્વક જણાવ્યું હતું.
યુરોપે પોતાના જ લશ્કરી દળ અંગે વર્ષ પહેલાં જ વિચારવાનું શરૂ કરી દીધુ હતુ, પરંતુ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને યુરોપને જે રીતે કોરાણે મૂકવાનું શરુ કર્યુ છે તે જોઈને યુરોપને પોતાની પણ ખતરાની ઘંટી વાગી છે.
ટ્રમ્પ ચૂંટાયા તે સમયે જ ઝેલેન્સ્કીની નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટના ઘરે બ્રસેલ્સમાં મીટિંગ થઈ હતી. તેમા બ્રિટન, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની, ઇટલી, હોલેન્ડ અને પોલેન્ડના પ્રતિનિધિઓ હાજર હતા. આ સિવાય યુરોપીયન યુનિયનના ટોચના અધિકારીઓ પણ હાજર હતા.
ફ્રેન્ચ પ્રમુખ મેક્રોએ ૨૦૨૪ના પ્રારંભમાં જ આ વિચાર તરતો મૂક્યો હતો. તે સમયે જર્મની અને પોલેન્ડે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. તેથી મેક્રો એકલા પડી ગયા હતા, પરંતુ યુરોપના પોતાના જ લશ્કરની તેમની વાતે બધા દેશોનું ધ્યાન ચોક્કસપણે તેમના તરફ આકર્ષિત કર્યુ હતું. હાલમાં તો યુક્રેનને મદદ કરવાની થાય તો ફ્રાન્સ અને બ્રિટનને બાદ કરતાં યુરોપનો કોઈપણ દેશ લશ્કરી ટુકડીઓ મોકલવા રાજી નથી. જર્મનીએ તો બધી આ વર્ષે થનારી ચૂંટણી બાદ નવી સરકાર પર છોડી દીધું છે.
- ઝેલેન્સ્કીનો નાટો પરથી ભરોસો ઉઠયો
- યુરોપે પોતાની અલગ સેના બનાવવી જોઈએઃ ઝેલેન્સ્કી
- અમેરિકા દર વખતે મદદ માટે ઉતરી આવે તે દિવસો હવે પૂરા થઈ ગયા
મ્યુનિક સુરક્ષા સંમેલનમાં પોતાની વાત રાખતા યુક્રેનના પ્રમુખે જણાવ્યું હતું કે યુરોપે પોતાનું લશ્કર બનાવવામાં મોડું ન કરવું જોઈએ. આપણે હવે તે સંભાવના ન નકારી શકીએ કે અમેરિકાને ક્યારેક કોઈ મુશ્કેલી પોતાના પર આવતી દેખાય તો તે આપણને મદદ માટે ના પણ પાડી શકે છે. ઘણા નેતા આ અંગે વાત કરી ચૂક્યા છે. મને સત્યમાં વિશ્વાસ છે. હવે સમય આવી ગયો છે કે યુરોપ પોતાના અંગે વિચારે અને પોતાનું લશ્કર બનાવે.
યુક્રેનના પ્રમુખે જણાવ્યું હતું કે રશિયા સાથેની શાંતિ સમજૂતીને લઈને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મારી મીટિંગ થઈ. આ વાતચીતમાં તેમણે એક વખત પણ જણાવ્યું નથી કે શાંત સમજૂતી માટે યુરોપની જરુરત છે. આ સકેત છે કે જૂના દિવસો ખતમ થઈ ચૂક્યા છે કે જ્યારે પણ યુરોપ પર તકલીફ આવે ત્યારે અમેરિકા હંમેશા તેની મદદ માટે દોડી આવે. યુરોપે પોતાની સલામતીનું ધ્યાન જાતે રાખવું પડશે.
ઝેલેન્સ્કીએ આ વાત નાટોના મહાસચિવ માર્ક રુટની હાજરીમાં કરી છે. યુરોપે કોઈપણની સમકક્ષ રહેવા માટે પોતાની સશસ્ત્ર સેના તૈયાર કરવી જરુરી છે.