મીડિયા મુઘલ રુપર્ટ મર્ડોક 92 વર્ષની વયે પાંચમી વખત લગ્ન કરશે

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
મીડિયા મુઘલ રુપર્ટ મર્ડોક 92 વર્ષની વયે પાંચમી વખત લગ્ન કરશે 1 - image

image : twitter

વોશિંગ્ટન,તા.8 માર્ચ 2024,શુક્રવાર

દુનિયાના ટોચના અબજોપતિઓમાં સ્થાન પામતા અને મીડિયા મુઘલ તરીકે ઓળખાતા રુપર્ટ મર્ડોક 92 વર્ષની વયે પાંચમી વખત લગ્ન કરવા જઈ રહ્યા છે. 

અમેરિકાના અખબારના અહેવાલ પ્રમાણે જૂન મહિનામાં તેઓ પોતાની પ્રેમિકા એલેના ઝુકોવા સાથે લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે. આ પહેલા મર્ડોક ચાર લગ્ન કરી ચુકયા છે. એલેના એક નિવૃત્ત વૈજ્ઞાનિક છે. ગત એપ્રિલ મહિનામાં બંને વચ્ચેના સબંધોની જાણકારી સામે આવી હતી. તેના ચાર મહિના પહેલા રુપર્ટ મર્ડોકે રેડિયો હોસ્ટ એન લેસ્લી સ્મિથ સાથેની સગાઈ તોડી નાંખી હતી. આ સગાઈ બે સપ્તાહ માટે ટકી હતી. 

અખબારી અહેવાલમાં જણાવાયા પ્રમાણે રુપર્ટ મર્ડોકના લગ્ન કેલિફોર્નિયામાં જાણીતા દ્રાક્ષના બગીચા મોરોગામાં થશે. આ માટેના નિમંત્રણો પણ મોકલી દેવાયા છે. મર્ડોકની ત્રીજી પત્ની વેંડી ડેંગ દ્વારા આયોજિત એક સમારોહમાં એલેના સાથે મર્ડોકની મુલાકાત થઈ હતી. વેંડી સાથે રુપર્ટ મર્ડોકે 2013માં 14 વર્ષના લગ્ન જીવન બાદ છૂટાછેડા લીધા હતા. 

મર્ડોકની ભાવી પત્ની ઝુકોવાની 42 વર્ષીય પુત્રી છે અને ઝુકોવા રશિયન મૂળના છે. ઝુકોવાના લગ્ન પહેલા રશિયન અબજોપતિ અને ફૂટબોલ ક્લબના પૂર્વ માલિક રોમન અબ્રામોવિચ સાથે થયા હતા. ઝુકોવા અમેરિકાના કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ડાયાબિટિસના નિષ્ણાત તરીકે કામ કરી ચુકયા છે. 

રુપર્ટ મર્ડોકની કંપની ન્યૂઝ કોર્પ પાસે વોલ સ્ટ્રીટ જર્નલ, ફોક્સ ન્યૂઝ, સ્કાય ન્યૂઝ-ઓસ્ટ્રેલિયા તથા પુસ્તક પ્રકાશન કંપની હાર્પર કોલિન્સ સહિતના સેંકડો ડિજિટલ  મીડિયા હાઉસની માલિકી છે. તેમની કુલ સંપત્તી 8.96 અબજ ડોલર છે. 


Google NewsGoogle News