અમેરિકાએ શેખ હસીનાના આરોપને પાયાવિહોણા ગણાવ્યા, બાંગ્લાદેશની સરકારને લઈને આપ્યું નિવેદન
Bangladesh Political Crisis: અમેરિકાએ બાંગ્લાદેશમાં તખ્તાપલટ અને રાજકીય ઉથલપાથલમાં પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન પિયરે કહ્યું કે, 'બાંગ્લાદેશમાં તખ્તાપલટમાં અમેરિકાની સંડોવણી નથી. કોઈપણ વાતચીત અથવા આવા અહેવાલો માત્ર અફવા છે. બાંગ્લાદેશના લોકોએ દેશની સરકારનું ભવિષ્ય નક્કી કરવું જોઈએ. આ અમારું સ્ટેન્ડ છે.'
જાણો શું છે મામલો
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપીને દેશ છોડ્યા પછી 11મી ઓગસ્ટે પહેલીવાર પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન તેમણે બાંગ્લાદેશમાં બળવા અને દેશની સ્થિતિ માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું. જો કે, તેમના નિવેદન અને આરોપો પર અમેરિકાએ કહ્યું કે, 'બાંગ્લાદેશમાં તખ્તાપલટમાં અમારો કોઈ હાથ નથી.'
આ પણ વાંચો: 'કમલા હેરિસ બાઈડેન કરતા પણ વધુ અયોગ્ય..', ઈલોન મસ્ક સાથેના ઇન્ટરવ્યુમાં બોલ્યા ટ્રમ્પ
શેખ હસીનાએ આરોપ લગાવ્યો હતો કે, 'અમેરિકાએ સેન્ટ માર્ટિન આઈલેન્ડ માંગ્યું હતું. જો તે આપ્યું હોત તો કદાચ આજે મારી સરકાર સત્તામાં રહી હોત. પરંતુ અમેરિકાની શરત ન સ્વીકારવી એટલે કે તેમ ન કરવું તેમને મોંઘુ પડશે. અમેરિકા આ ટાપુ દ્વારા બંગાળની ખાડીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે.'
વિદેશ નીતિ નિષ્ણાતો અને વિલ્સન સેન્ટરે આ આરોપને નકારી કાઢ્યા
અમેરિકામાં સ્થિત વિદેશ નીતિ નિષ્ણાત અને વિલ્સન સેન્ટરમાં દક્ષિણ એશિયા સંસ્થાના નિર્દેશક માઈકલ કુગેલમેને શેખ હસીનાના આ આરોપો અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, 'અમેરિકા શેખ હસીનાના દાવા અને આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢે છે. આ દાવાઓને સમર્થન આપતા કોઈ પુરાવા જોવા મળ્યા નથી. વિરોધીઓ સામે હસીના સરકારની કઠોર કાર્યવાહીએ આંદોલનને વધુ ઉશ્કેર્યું છે.'