કેમ્પસમાં રેપની અફવાથી લાહોર સહિત તમામ શહેરોમાં વિદ્યાર્થીઓનાં વ્યાપક રમખાણો
- પાકે. બાંગ્લાદેશમાં તોફાનો કરાવ્યાં : હવે પાક.માં તોફાનો ફાટયાં
- કોલેજ બિલ્ડીંગોમાં તોડફોડ, ફર્નીચર રસ્તા પર મુકી સળગાવ્યાં પોલીસના લાઠીચાર્જ અને ટીયરગેસનો સામનો કર્યો
ઈસ્લામાબાદ : લાહોરમાં કોલેજ કેમ્પસમાં એક વિદ્યાર્થીની ઉપર થયેલા બળાત્કારની અફવા જોત જોતામાં વ્યાપી જતાં વિદ્યાર્થીઓ ખરેખરા ઝનૂને ચઢ્યા હતા અને લાહોર યુનિવર્સિટીની કોલેજોમાં અંધાધૂંધી વ્યાપી ગઈ હતી. લાહોરમાં તો વિદ્યાર્થીઓએ કોલેજોનાં બારી-બારણાં પણ તોડી નાખ્યા હતાં. કલાસરૂમમાંથી ફર્નિચર કાઢી રસ્તા ઉપર મુકી તેની ઉપર સ્કુટરોમાંથી પેટ્રોલ કાઢીને છાંટયું હતું અને ફર્નિચરને આગ લગાડી દીધી હતી. પોલીસ તુર્તજ ત્યાં પહોંચી ગઈ પરંતુ સળગતાં ફર્નિચરે બેરિકેડ બનાવી દીધી હતી. આથી પોલીસને ટીયરગેસના ટેટા ફોડી વિદ્યાર્થીઓને દૂર હઠાવ્યા હતા. પછી લાઠીચાર્જ શરૂ કર્યો હતો. વિદ્યાર્થીઓએ નાસી જઈ દૂર પહોંચી પોલીસ ઉપર ભારે પથ્થમારો શરૂ કરી દીધો હતો. વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે યુદ્ધ જામી પડયું હતું.
લાહોરનાં આ રમખાણોની વિગત ઈન્ટરનેટ પર અન્ય શહેરોમાં પણ પહોંચતાં પણ વિદ્યાર્થીઓએ ભારે તોફાનો શરૂ કરી દીધાં હતાં. ઈસ્લામાબાદમાં તો પરિસ્થિતિ કેટલાયે કલાકો સુધી હાથ બહાર જ રહી હતી. ત્યારે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસ.પી.એમ)માં હાજરી આપવા આવેલા વિવિધ દેશોના પ્રતિનિધિઓ પૈકી કેટલાક જે હજી ઈસ્લામાબાદમાં જ હતા. તેઓ આ રમખાણો જોઈ આંચકો ખાઈ ગયા હતા.
પંજાબનાં 'ગુજરાત' શહેરમાં એક સલામતી રક્ષકની વિદ્યાર્થીઓએ હત્યા કરી હતી. તે અંગે પોલીસે કેટલાકની ધરપકડ પણ કરી છે.
પોલીસ કહે છે કે 'રેપની આ વાત જ બનાવટી છે. કોઈએ જાણી જોઈને પલિતો ચાંપવા આવી ખોટી માહિતી વહેતી મુકી હશે.' અમે તે ખોટી માહિતી ઈન્ટરનેટ પર ફેલાવનારની શોધ કરી રહ્યાં છીએ.
નિરીક્ષકો કહે છે કે, પોલીસનો આ પાંગળો અને બનાવટી બચાવ છે. 'રેપ'ની વાત વજૂદ વગરની નથી જ. આ સાથે તેઓ કહે છે કે બાંગ્લાદેશમાં તદ્દન નગણ્ય મુદ્દાએ અને જે કાનૂન (અનામતનો) પાછો ખેંચી લેવાયો હોવા છતાં પાક એજન્સીએ વ્યાપક રમખાણો કરાવ્યાં હતાં તે પાકિસ્તાનને જ હવે સાચુકલાં કારણસર ફાટી નીકળેલાં તોફાનોનો સામનો કરવો પડયો છે.