5 લાખ ઈમિગ્રન્ટ્સને ઝટકો, અમેરિકાના નાગરિકને પરણેલી વ્યક્તિને ડિપોર્ટેશન સામે રક્ષણ આપતો નિયમ રદ
USA NEWS | ટેક્સાસ સ્થિત યુએસ ડિસ્ટ્રિક્ટ ફેડરલ જજ જે. કેમ્પબેલ બાર્કરે એક ચૂકાદામાં બાઇડન વહીવટીતંત્રની યુએસ નાગરિકને પરણનાર અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટસ માટે નાગરિકત્વનો માર્ગ સરળ બનાવતી નીતિને રદ કરી હતી. પ્રમુખ દ્વારા ઇમિગ્રન્ટ પરિવારો માટે સહાયરૂપ બને એવા વર્ષો બાદ લેવાયેલાં પગલાંમાં અમેરિકન નાગરિકને પરણનાર સાથીદારો તથા તેમના સંતાનોને દેશ છોડયા વિના જ ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની છૂટ અપાઇ હતી.
ગુરૂવારે જજ બાર્કરે તેમના ચૂકાદામાં જણાવ્યું હતું કે બાઇડન વહીવટી તંત્ર આ નીતિનો અમલ કરવામાં તેની સત્તાની મર્યાદા વટાવી જઇ સબંધિત ઇમિગ્રેશન કાયદાનું તદ્દન ખોટું અર્થઘટન કરવાની હદે ગયું છે. આમ પણ બાઇડન વહીવટીતંત્રનો આ કિપિંગ ફેમિલિઝ ટુગેધર કાર્યક્રમ જાન્યુઆરીમાં ટ્રમ્પ સત્તાસ્થાને આવે તે પછી ટકી શકે તેમ લાગતું નથી. પણ આ નીતિને વહેલી રદ કરવામાં આવતાં ઇમિગ્રન્ટ પરિવારોની અનિશ્ચિતતામાં મોટો વધારો થયો છે. આ નીતિને કારણે આશરે પાંચ લાખ ઇમિગ્રન્ટ્સને ફાયદો થાય તેમ હતો.
પોતાની પહેલી મુદત દરમ્યાન પ્રમુખ ટ્રમ્પે બાર્કરની ટેક્સાસમાં ટાયલર ખાતે ફીફથ યુએસ સરકીટ કોર્ટ ઓફ અપીલ્સમાં નિમણૂક કરી હતી. રાજકીય હેતુ માટે ઇમિગ્રન્ટ પરિવારોેને સહાય કરવા કારોબારીએ કોંગ્રેસની સંદતર અવગણના કરી હોવાનો આક્ષેપ કરી રિપબ્લિકન એટર્ની જનરલે આ કાર્યક્રમ સામે કાનુની પડકાર ફેંક્યો હતો. જેને પગલે અન્ય પંદર રાજ્યો સાથે ટેક્સાસે આ નિયમનો અમલ મુલતવી રાખ્યો હતો.
આ નીતિમાં યુએસ નાગરિકને પરણનારને ડિપોર્ટેશન સામે શરતી રક્ષણ અપાયું હતું અને પેરોલ ઇન પ્લેસ પ્રક્રિયા હેઠળ 580 ડોલરની ફી ભરી અરજી કરી તેમને માનવતાના ધોરણે પેરોલ મળવી જોઇએ તેમ જણાવવાનું હતું.
જો આ અરજી મંજૂર થાય તો અરજદારને કામ કરવા અને રહેવાની ત્રણ વર્ષ માટે મંજૂરી મળી જતી હતી. હાલ નોન સિટિઝન સાથીઓ કાનુની દરજ્જા માટે પાત્ર છે જ પણ તેમણે ગ્રીન કાર્ડ માટે અરજી કરવા તેમના દેશમાં પરત જવું પડે છે. આ પ્રક્રિયામાં યુએસની બહાર એક વર્ષ રાહ જોવી પડે છે. જેને કારણે અલગ અલગ ઇમિગ્રેશન સ્ટેટસ ધરાવતાં પરિવારજનોને અલગ રહેવાની ફરજ પડે છે.