રૂડી ગુલિયાનીને ચૂંટણી કર્મચારીઓની બદનામી કરવા બદલ 14.8 કરોડ ડોલરનો દંડ

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
રૂડી ગુલિયાનીને ચૂંટણી કર્મચારીઓની બદનામી કરવા બદલ 14.8 કરોડ ડોલરનો દંડ 1 - image


- રૂબી ફ્રીમેન અને વાન્ડેરા મોસને 7.3 કરોડ ડોલર્સનું વળતર ચૂકવવા આદેશ 

- ન્યુ યોર્કના ભૂતપૂર્વ મેયર અને ટ્રમ્પના  ભૂતપૂર્વ વકીલ રૂડી ગુલિયાનીને ગેરવર્તણૂકબદલ 7.5 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો 

વોશિંગ્ટન : યુએસના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ૨૦૨૦ની ચૂંટણીમાં જ્યોર્જિયા રાજ્યની બે ભૂતપૂર્વ ચૂંટણી કર્મચારી મહિલાઓએ ગેરરીતિઓ આચરવામાં સહાય કરી હોવાના ખોટાં આક્ષેપો કરી તેમની બદનામી કરવા બદલ  ટ્રમ્પના ભૂતપૂર્વ વકીલ રૂડી ગુલિયાનીને કુલ ૧૪.૮ કરોડ ડોલર્સ કરતાં વધારે રકમ નુકશાની પેટે ચૂકવવાનો આદેશ વોશિંગ્ટનમાં શુક્રવારે ફેડરલ કોર્ટે આપ્યો હતો.  

 ફેડરલ કોર્ટની જ્યુરીએ ઠરાવ્યું હતું કે અશ્વેત ચૂંટણી કર્મચારીઓ વાન્ડેરા શાયે મોસ અને તેની માતા રૂબી ફ્રીમેનની પ્રતિષ્ઠા ખરડાઇ હોવાથી અને તેમને જે માનસિક પરિતાપ ભોગવવો પડ્યો છે તેને કારણે વળતર પેટે રૂડી ગુલિયાનીએ અંદાજે  ૭.૩ કરોડ ડોલર્સ અને તેમણે જે ગેરવર્તન કર્યું છે તેની સજારૂપે  ૭.૫ કરોડ ડોલર્સનો દંડ કરવામાં આવે છે. ગુલિયાનીએ જણાવ્યું હતું કે તે આ ચૂકાદા સામે અપીલ કરશે. 

ફ્રીમેને કોર્ટની બહાર જણાવ્યું હતું કે રૂડીએ મારી અને મારી પુત્રી સાથે જે વર્તન કર્યું હતું તેની જ્યુરી સાક્ષી બની છે અને તેમને જવાબદાર ઠેરવ્યા છે. અન્યોને પણ જવાબદાર ઠેરવવા જ  જોઇએ.  ફેડરલ જજે ખટલા પૂર્વે જ ગુલિયાનીને બદનામી કરવા તથા ઇરાદાપૂર્વક માનસિક પીડા આપવા બદલ દોષી ઠેરવ્યા હોઇ જ્યુરીએ માત્ર એટલું જ નક્કી કરવાનું  હતું કે ગુલિયાનીને  કેટલો દંડ કરવાનો છે. 

બંને અશ્વેત મહિલાઓ મોસ અને ફ્રીમેને તેમની ત્રણ દિવસની જુબાની દરમ્યાન તેમની પર ટ્રમ્પના ટેકેદારો દ્વારા મોકલવામાં આવેલાં જાતિવાદી અને રંગભેદી મેસેજો વર્ણવ્યા હતા. જેમાં તેમને ટોળે વળી મારી નાંખવાની પણ ધમકી અપાઇ હતી. ટ્રમ્પ અને તેમના સાથીઓએ ખોટા દાવા કર્યા હતા કે  તેઓ મતદારોને છેતરવાની કામગીરીમાં સંડોવાયેલી છે એ પછી બંને મહિલાઓને જાતજાતની ધમકીઓ મળી હતી. 

ચૂંટણી કર્મચારીના વકીલ માઇકલ ગોટલિબે જણાવ્યું હતું કે ગુલિયાનીએ એમ માન્યુ હતું કે રૂબી અને મોસ સામાન્ય લોકો હોઇ તેઓ તેંમની સામે ચૂંટણી છેતરપિંડીનો આરોપ મુકી છટકી જશે.  ચૂંટણીનું પરિણામ ઉલટાવવા માટે રક્ષણહીન કર્મચારીઓને વરચ્યુઅલ ટોળાં સામે ધરી દેવાનો ગુલિયાનીને કોઇ અધિકાર નથી. ગુલિયાનીના વકીલ જોસેફ સિબલીએ તેમના અસીલે નુકસાન કર્યું  હોવાનું સ્વીકાર્યુ હતું પણ ફરિયાદીએ  ૪.૮ કરોડનો દંડ કરવાની જે માગણી કરી છે તે તેમના અસીલ માટે વિનાશક નીવડશે તેમ જણાવ્યું હતું. ન્યુયોર્કમાં ટ્વિન ટાવર પર થયેલાં આતંકવાદી હુમલા દરમ્યાન મેયર તરીકે તેમણે ભજવેલી ભૂમિકાની યાદ અપાવી તેમના વકીલે  ગુલિયાનીને સારા માણસ ગણાવ્યા હતા અને તાજેતરમાં જે બન્યું તેના આધારે તેમને વ્યાખ્યાયિત ન કરવા જોઇએ તેમ જણાવ્યું હતું. 

૨૦૨૦ની ચૂંટણી દરમ્યાન મતગણતરી દરમ્યાન લેવાયેલાં સર્વિલિયન્સ વિડિયોને બતાવી ગુલિયાનીએ વારંવાર ખોટો દાવો કર્યો હતો કે મોસ અને ફ્રીમેન એટલાન્ટામાં બાસ્કેટ બોલ અરેનામાં ગેરકાયદે મતપત્રકો ગણીને  તેને સૂટકેસોમાં ઠાંસીને ભર્યા હતા.ગુલિયાનીએ  ચૂંટણીમાં થયેલી ટ્રમ્પની હારને ઉલટાવવાના પ્રયાસોમાં મોખરાની ભૂમિકા ભજવી એ પછી તેમને શ્રેણીબદ્ધ દિવાની અને ફોજદારી ખટલાઓનો સામનો કરવો પડયો છે. જેને કારણે તેમનો વકીલોનો ખર્ચો પણ વધી ગયો છે.


Google NewsGoogle News