નેપાળનું ફરી ભારત વિરોધી પગલું, વિવાદિત વિસ્તારોને 100 રૂપિયાની ચલણી નોટમાં સામેલ કર્યા
(Source- PTI) |
Nepal Currency Note: નેપાળ ભારતના પાંચ રાજ્યો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે 1850 કિલોમીટરથી વધુની સરહદ ધરાવે છે. તેમજ ભારત અને નેપાળ વચ્ચે લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની વિસ્તારને લઈને ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. એવામાં નેપાળે શુક્રવારે 100 રૂપિયાની નવી નોટ છાપવાની જાહેરાત કરી હતી. જેમાં નેપાળ આ ત્રણ વિવાદિત વિસ્તાર લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની નેપાળના નકશામાં સામેલ કરશે, જેના પર ભારત પોતાનો દાવો કરી રહ્યું છે.
માહિતી અને સંદેશાવ્યવહાર મંત્રી આપી જાણકારી
માહિતી અને સંચાર મંત્રી રેખા શર્માએ કેબિનેટના નિર્ણય અંગે માહિતી આપતા કહ્યું હતું કે, "25 એપ્રિલ અને 2 મેના રોજ નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ 'પ્રચંડ'ની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન કેબિનેટે 100 રૂપિયાની નોટને ફરીથી ડિઝાઇન કરવા અને નોટમાં છપાયેલા જૂના નકશાને બદલવાની મંજૂરી આપી હતી."
ભારતે કર્યો હતો વિરોધ
નેપાળે તેના બંધારણમાં 18 જૂન, 2020 ના રોજ સુધારો કર્યો હતો, જેમાં નેપાળે વ્યૂહાત્મક રીતે ત્રણ વિવાદાસ્પદ વિસ્તારો લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને તેના રાજકીય નકશામાં સામેલ કરવાની પ્રક્રિયા પૂરી કરી હતી. ભારતે આ અંગે વિરોધ કરતા નેપાળની આ હરકતને એકપક્ષીય કાર્યવાહી ગણાવી હતી.