Get The App

કોઈને મનમાં પણ નહોતું તેવા ઉમેદવાર TikTokના કારણે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતી ગયા

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
કોઈને મનમાં પણ નહોતું તેવા ઉમેદવાર TikTokના કારણે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતી ગયા 1 - image


જગતભરના લોકોને સોશિયલ મીડિયાએ ઘેલું લગાડ્યું છે. લોકો મનોરંજન મેળવવા, ટાઇમપાસ કરવા અને કમાણી કરવા માટે પણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો વપરાશ કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની લોકપ્રિયતાથી તો સૌ પરિચિત છે, પણ શું કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલું તાકતવર થઈ શકે ખરું કે કોઈ દેશની ચૂંટણીના પરિણામ બદલી નાંખે? 

હા, બની શકે. તાજેતરમાં એવું બન્યું છે. યુરોપના રોમાનિયા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કારણે જેની જીતની કોઈને અપેક્ષા ન હતી એવા ઉમેદવાર જીતી ગયા છે. 

શું બન્યું રોમાનિયામાં?

24 નવેમ્બર 2024ના રોજ યોજાયેલ રોમાનિયાના પ્રમુખપદની ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં સ્વતંત્ર ઉમેદવાર કેલિન જ્યોર્જસ્કુએ આઘાતજનક જીત હાંસલ કરી હતી. જ્યોર્જસ્કુને પ્રથમ રાઉન્ડમાં 22.94 ટકા વોટ મળ્યા હતા. 19.18 ટકા વોટ મેળવીને વિરોધી પાર્ટી ‘સેવ રોમાનિયા યુનિયન’ના ઉમેદવાર એલેના લાસ્કોની બીજા ક્રમે આવ્યા હતા. ‘સોશિયલ ડેમોક્રેટ પાર્ટી’ના ઉમેદવાર અને વર્તમાન વડાપ્રધાન એવા માર્સેલ સિઓલાકુને 19.15 ટકા વોટ મળતા તેઓ ત્રીજા સ્થાને આવ્યા હતા અને રેસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા.

આ પણ વાંચો: કેનેડા નહીં સુધરે! ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને કોર્ટે આપી દીધા જામીન

અવિશ્વસનીય પરિણામોએ રોમાનિયાને ચોંકાવ્યું

કોઈને મનમાં પણ નહોતું તેવા ઉમેદવાર TikTokના કારણે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતી ગયા 2 - image

દેશની સર્વોચ્ચ અદાલતે પ્રમુખપદની ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં પુનઃગણતરીનો આદેશ આપ્યો છે કારણ કે પ્રથમ રાઉન્ડમાં જે ઉમેદવાર પ્રથમ સ્થાને આવ્યા છે એ કેલિન જ્યોર્જસ્કુની જીતની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તેઓ રોમાનિયામાં એકદમ ઓછા જાણીતા નેતા છે. ભૂતકાળમાં એમને ક્યારેય પાંચ ટકાથી વધુ મત મળ્યા ન હોવાથી એમની જીત શંકાની દૃષ્ટિથી જોવામાં આવી રહી છે. રોમાનિયાની ટોચની સુરક્ષા સંસ્થાએ જ્યોર્જસ્કુને મળેલા મત માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok ને દોષી ઠેરવ્યું છે, જેને કારણે કોર્ટે આ મુદ્દે તપાસ કરવાનું કહ્યું છે. 

આ પણ વાંચો: ભારત સાથે 'શત્રુતા' વચ્ચે ટ્રુડો અચાનક અમેરિકા કેમ દોડ્યાં? નવા પ્રમુખ ટ્રમ્પની ધમકીની અસર!

શું ભૂમિકા હતી TikTok ની?

62 વર્ષીય જ્યોર્જસ્કુએ તેમનું ચૂંટણી અભિયાન સંપૂર્ણ રીતે TikTok પર ચલાવ્યું હતું. રોમાનિયન સત્તાવાળાઓએ TikTok પર જ્યોર્જસ્કુને ‘મોટા પ્રમાણમાં એક્સપોઝર’ આપવાનો આરોપ મૂક્યો છે. TikTok એ રોમાનિયનોને જ્યોર્જસ્કુના વીડિયો એટલા બધા દેખાડ્યા કે દેશના યુવા મતદારો અને વિદેશમાં રહેતા રોમાનિયનો તેમનાથી પ્રભાવિત થઈ ગયા, તેમની વાતોમાં આવી ગયા અને તેમને મત આપીને જીતાડી દીધા.

એ ઉપરાંત, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોવા છતાં TikTok પ્લેટફોર્મ દ્વારા જ્યોર્જસ્કુને રાજકીય ઉમેદવાર તરીકેનું લેબલ નહોતું લગાવાયું, જેને લીધે રોમાનિયનો ગેરમાર્ગે દોરવાયા હોવાનો આરોપ લગાવાયો છે. 

જ્યોર્જસ્કુના પ્રમોશન માટે TikTok એ હજારો ફેક એકાઉન્ટનો દુરુપયોગ કર્યો હોવાના આક્ષેપ પણ લાગ્યા છે. તેમના TikTok એકાઉન્ટ પર એક અઠવાડિયા અગાઉ માત્ર 30,000 ફોલોઅર્સ હતા, જે હવે વધીને 330,000 થઈ ગયા છે. તેમણે TikTok પર મૂકેલી એક પોસ્ટને ચાર મિલિયનથી વધુ લાઈક્સ મળી છે.

TikTok એ પોતાનો બચાવ કર્યો

આ વિવાદ બાબતે TikTok એ દાવો કર્યો છે કે TikTok પર જ્યોર્જસ્કુના એકાઉન્ટને રાજકીય એકાઉન્ટ તરીકે જ દર્શાવાયું હતું અને તેમના એકાઉન્ટને અન્ય રાજકારણીઓના એકાઉન્ટને અપાય છે એવી જ ટ્રિટમેન્ટ અપાઈ હતી, તેમની કોઈ સ્પેશિયલ ફેવર નહોતી કરાઈ. રોમાનિયાના સત્તાવાળાઓએ જે વીડિયો બાબતે વાંધો જતાવ્યો હતો એ બધા વીડિયો પર TikTok એ 24 કલાકની અંદર જરૂરી પગલાં લીધા હોવાનું પણ કહ્યું હતું. TikTok ના પ્રતિનિધિઓ આ મુદ્દે ચર્ચા કરવા માટે રોમાનિયન સરકાર અને યુરોપિયન યુનિયનના અધિકારીઓ મળવા તૈયાર છે.

જીત બદલ શું કહ્યું જ્યોર્જસ્કુએ?

ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ જ્યોર્જસ્કુએ કહ્યું હતું કે, ‘મારા અભિયાનનું બજેટ શૂન્ય હતું. મારી પાસે ખૂબ જ નાની ટીમ હતી. ફક્ત 10 લોકો હતા. પરંતુ મને લાખો રોમાનિયન લોકોનો સાથ મળ્યો.’

વિરોધ બદલ જ્યોર્જસ્કુએ આવું કહ્યું

જ્યોર્જસ્કુએ ચૂંટણીમાં હસ્તક્ષેપના દાવાઓને નકારી કાઢતા કહ્યું હતું કે, ‘રોમાનિયન પ્રજાએ તેમના નૈતિક અને ધાર્મિક મૂલ્યોને આધારે પૂરી સ્વતંત્રતાથી સમજી-વિચારીને મારી પસંદગી કરી છે, વિરોધીઓ તેમની મત આપવાની ક્ષમતાને છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારી જીતનો શ્રેય TikTok ને અપાઈ રહ્યો છે, પરંતુ મીડિયા અને રાજકારણીઓમાંથી કોઈપણ એનો શ્રેય રોમાનિયન પ્રજાને નથી આપી રહ્યું.’

યુક્રેન-રશિયા યુદ્ધ બાબતે આવું છે વલણ

યુક્રેન-રશિયા યુદ્ધમાં રોમાનિયા યુક્રેનના પક્ષમાં છે, પણ જ્યોર્જસ્કુ જુદી પિપૂડી વગાડે છે. તેઓ યુક્રેન મુદ્દે રોમાનિયાના વલણની અને નાટોની ભૂમિકાની ટીકા કરે છે. તેમનું કહેવું છે કે, ‘રશિયાને પડકારવાને બદલે, એની સાથે સહકાર સાધીને ‘રશિયન શાણપણ’માંથી લાભ મેળવવો જોઈએ.’ 

ભૂતકાળમાં તેમણે ફાસીવાદી રાજકારણીઓને ‘રાષ્ટ્રીય હીરો અને શહીદો’ ગણાવીને વખાણ્યા હતા. આમ, તેમની વિચારધારા દેશ કરતાં જુદી છે. 

રશિયા અને ચીનની સંડોવણી? 

જ્યોર્જસ્કુને જીતાડવામાં રશિયા અને ચીનના હાથ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. વિશ્વના નકશા પર રોમાનિયાનું ભૌગોલિક સ્થાન જોશો તો એ દેશ યુક્રેનનો પડોશી છે. યુક્રેન, રશિયા અને રોમાનિયા વચ્ચે સેન્ડવિચ થયેલું છે. તેથી પણ રશિયાએ પોતાના લાભની વિચારધારા ધરાવતા જ્યોર્જસ્કુને જીતાડવામાં રસ હોય એવું બની શકે. સૌ જાણે છે કે TikTok એપ ચીની કંપનીની માલિકીની છે, અને જે ચીનનું હોય એ કંઈપણ કરી શકે, એ પણ સૌ જાણે જ છે.

વિરોધના વાવટા લહેરાયા

જ્યોર્જસ્કુની વિવાદાસ્પદ જીતનો વિરોધ કરવા માટે સંખ્યાબંધ લોકો રોમાનિયાના શહેરોની શેરીઓમાં ઉતરી આવ્યા છે. રાજકારણીઓ અને જનતાએ રોમાનિયામાં TikTok પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. રાષ્ટ્રપતિ પદના અન્ય ઉમેદવારોએ ચૂંટણીના પરિણામોને પડકાર્યા છે અને મતોની પુન:ગણતરીની માંગ કરી છે. ચૂંટણી ઝુંબેશ માટેનું ભંડોળ ક્યાંથી મળ્યું હતું, એ પણ જ્યોર્જસ્કુએ જાહેર નથી કર્યું, એ બાબતે પણ એમના પર પસ્તાળ પડી રહી છે. 

અદાલતનો આપ્યો આદેશ 

દેશની બંધારણીય અદાલતે 24 નવેમ્બરની રાષ્ટ્રપતિની ચૂંટણીના પહેલા રાઉન્ડમાં થયેલ મતપત્રોની પુનઃચકાસણી અને પુન:ગણતરીનો આદેશ આપ્યો છે. જોકે, અદાલતે પ્રથમ રાઉન્ડને રદ ગણીને ફેરચૂંટણી કરવાની વિનંતી ફગાવી દીધી છે, એમ કહીને કે એના માટે હવે ખૂબ મોડું થઈ ગયું છે. તેથી 8 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીમાં જ્યોર્જસ્કુ એલેના લાસ્કોની સામે લડી શકશે. ફાઇનલ ચૂંટણીમાં જ્યોર્જસ્કુ જીતશે તોય છેવટે અદાલતનો નિર્ણય આખરી રહેશે.


Google NewsGoogle News